મોબાઈલની પૂછપરછમાં મામલો બિચક્યો
આ હુમલામાં મારાના ખભા પર અને નાના ભાઈના હાથ તેમજ આંગળીઓમાં છરીના ઘા વાગ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૧ મે ૨૦૨૬ –– અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા બાપુનગરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હસનપીરની દરગાહ નજીક મોબાઈલ ચોરીની શંકાના આધારે બે જૂથો સામસામે આવી ગયા હતા. પથ્થરમારા અને તીક્ષ્ણ હથિયારો વડે થયેલી આ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, રખિયાલ પન્ના એસ્ટેટ પાસે રહેતા મોહમ્મદ આઝમનો નાનો ભાઈ મોબાઈલ ગુમ થતા તેને શોધી રહ્યો હતો. આ દરમિયાન હસનપીરની દરગાહ પાસે હાજર મોહમ્મદ યુસુફ ઉર્ફે ટકલા સાથે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ગરમાયો કે હથિયારો ઉછળ્યા હતા.
મોહમ્મદ આઝમે ફરિયાદમાં જણાવ્યું છે કે, ’યુસુફ ઉર્ફે ટકલાએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી મારા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મારાના ખભા પર અને નાના ભાઈના હાથ તેમજ આંગળીઓમાં છરીના ઘા વાગ્યા છે. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.’
સામા પક્ષે મોહમ્મદ યુસુફે વળતી ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યો છે કે, ’હું મારા પુત્ર સાથે ઉભો હતો ત્યારે આઝમ અને તેના ભાઈએ ઝઘડો શરૂ કર્યો હતો. આઝમે લાકડાના દંડા અને પથ્થર વડે મારાના માથામાં ફટકો મારતા તેને સિવિલ હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે.’
આ અથડામણમાં ભોગ બનેલા અન્ય એક યુવક મોહમ્મદ શજાન કુરેશીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેના જણાવ્યાનુસાર, ’અલી અને તેના સાથીઓએ મારા કામના સ્થળે આવી છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેના હાથની નસો કપાઈ ગઈ છે અને હાડકામાં સળિયો નંખાવવો પડ્યો છે. આરોપીઓ વગદાર હોવાથી પોલીસ નક્કર કાર્યવાહી કરી રહી નથી અને તેને સતત જીવનું જોખમ અનુભવાઈ રહ્યું છે.’
બાપુનગર પોલીસે બંને જૂથની ફરિયાદો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને પોલીસ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ કરી રહી છે.