32 C
Ahmedabad
May 12, 2026
Gujarat

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો હવે શૈક્ષણિક સત્રના અંતે થશે નિવૃત્ત

આચાર્યો માટે મહત્વનો નિર્ણય

આ નિર્ણયને કારણે શાળાઓના શૈક્ષણિક અને વહીવટી કાર્યમાં સતતતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૧ મે ૨૦૨૬ — ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા આચાર્યો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા નિયમ મુજબ હવે એચ-ટાટ અને મુખ્ય શિક્ષકો તરીકે ફરજ બજાવતા આચાર્યોને વર્ષના મધ્યમાં નિવૃત્ત કરવાની જગ્યાએ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ નિવૃત્ત કરવામાં આવશે.

અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા માત્ર પ્રાથમિક શિક્ષકો માટે અમલમાં હતી, પરંતુ હવે સરકાર દ્વારા તેનો વ્યાપ વધારી આચાર્યોને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે શાળાઓના શૈક્ષણિક અને વહીવટી કાર્યમાં સતતતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાન્ય રીતે જો કોઈ આચાર્ય શૈક્ષણિક સત્રની વચ્ચે નિવૃત્ત થાય, તો નવી નિમણૂક અથવા ચાર્જ હસ્તાંતરણની પ્રક્રિયામાં સમય લાગતો હતો. જેના કારણે શાળાના વહીવટી કામકાજ ઉપરાંત શૈક્ષણિક આયોજન પર પણ અસર પડતી હતી. કેટલીક શાળાઓમાં સમયસર જવાબદારી નક્કી ન થતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ નકારાત્મક અસર થતી હતી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ‘સત્રાંતે નિવૃત્તિ’ની વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો કોઈ આચાર્યની ૫૮ વર્ષની વય શૈક્ષણિક સત્ર દરમિયાન પૂર્ણ થશે, તો તેમને તરત નિવૃત્ત નહીં કરવામાં આવે, પરંતુ તે સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે.

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ આચાર્યોની નિવૃત્તિ વયમર્યાદા પણ ૫૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. અગાઉ જે મહિનામાં વયનિવૃત્તિ થતી હોય તે મહિનાની છેલ્લી તારીખે આચાર્યોને નિવૃત્ત કરવામાં આવતા હતા. પરંતુ હવે શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ જ નિવૃત્તિ અમલમાં આવશે.

શિક્ષણ વિભાગના આ નિર્ણયને શિક્ષણજગત અને આચાર્ય સંઘ દ્વારા સકારાત્મક ગણાવવામાં આવ્યો છે. શિક્ષણવિદોના મત મુજબ આ પગલાથી શાળાઓમાં સ્થિરતા વધશે, વહીવટી ગેરસમજ ઘટશે અને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર થતી અસરને અટકાવવામાં મદદ મળશે.

Related posts

અમદાવાદમાં મતદાન દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

Police-Story

China to merge regulators, create new ministries in biggest revamp in years

Police-Story

ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની પેનલની જીત, રાહુલ ગાંધીએ અભિનંદન પાઠવ્યા

Police-Story

Leave a Comment