34.2 C
Ahmedabad
October 2, 2026
National

કૈલાશ માન સરોવર જતાં યાત્રાળુઓએ ચીનના કોમન કિચનમાં જ ભોજન લેવું પડશે

Spread the love

PMO સુધી ફરિયાદ કરાઈ

યાત્રાળુ દીઠ વધારાનો ૨૫ હજાર સુધીનો ચાર્જ વસૂલાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ જૂન ૨૦૨૬ — નેપાળ માર્ગે પવિત્ર કૈલાશ માન સરોવરની યાત્રાએ જતાં ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર છે. હવે યાત્રાળુઓએ ચીન સરકારના કોમન કિચનમાં જ જમવું પડશે. કેન્દ્રીય રસોડું ફરજિયાત બનાવાતા શ્રદ્ધાળુઓમાં રોષ ભભૂક્યો છે. આ ઉપરાંત યાત્રાળુ દીઠ વધારાનો રૂ. ૨૫ હજાર સુધીનો ચાર્જ વસૂલવા નક્કી કરાયું છે. આ અંગે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે.

પવિત્ર કૈલાશ માન સરોવર યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દર વર્ષે ગુજરાતમાંથી ૩થી ૪ હજાર જેટલા શ્રદ્ધાળુઓ પવિત્ર કૈલાશ માન સરોવર યાત્રાએ જાય છે. હાલ કાઠમંડુથી યાત્રાનું પેકેજ રૂ. ૨.૪૦ લાખ સુધીનું છે, પરંતુ હવે નેપાળ માર્ગે જતાં યાત્રાળુઓ માટે ચીન સરકારે નવો નિયમ ઘડ્યો છે. જે અંતર્ગત તમામ શ્રદ્ધાળુએ કોમન કિચનમાં જમવું પડશે.

ટ્રાવેલ્સ એજન્ટોનું કહેવું છે કે, અત્યાર સુધી અત્યાર સુધી શ્રદ્ધાળુઓની જરૂરિયાત મુજબ અલગ-અલગ સેવા આપતા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓ પોતાની પ્રાદેશિક ખાણીપીણી, ધાર્મિક માન્યતાઓ જેમ કે સ્વામિનારાયણ કે જૈન ભોજન સહિત આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને પ્રાધાન્ય આપતા હોય છે, જે નવા નિયમના કારણે શક્ય નહીં બને.
યાત્રાળુઓ અને એજન્ટોની ફરિયાદ છે કે, કોમન કિચનમાં મોટી સંખ્યામાં લોકોને સમયસર અને ગરમાગરમ ભોજન આપવું મુશ્કેલ બનશે.

આ પ્રકારના નિયમોને પગલે ભોજન આપવામાં કલાકોનો વિલંબ થશે. જેના કારણે કઠિન ભૌગોલિક પરિસ્થિતિમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓમાં ભારે મુશ્કેલી વેઠવી પડે તેમ છે. કોમન કિચનને લીધે વ્યક્તિગત સેવા અને ભોજનની ગુણવત્તા જાળવવી અશક્ય બની જશે.

આ સાથે જ પ્રતિ યાત્રાળુ દીઠ રૂ. ૨૫,૦૦૦ સુધી વધારાનો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. માથાદીઠ વધારાનો ફરજિયાત ખર્ચ સામાન્ય શ્રદ્ધાળુઓને પરવડે તેમ નથી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને પરિવહન ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કૈલાશ માનસરોવરની યાત્રા પણ સામાન્ય વર્ગ માટે મોંઘી બની ગઈ છે. શ્રદ્ધાળુઓની સાથે ટ્રાવેલ્સ એજન્ટો આ નિર્ણયને અવ્યવહારુ ગણાવી રહ્યા છે ત્યારે આ નિર્ણય પર તાત્કાલિક પુનઃવિચારણા કરવામાં આવે અને કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ ઉઠી છે.

Related posts

યુપીમાં યોગી આદિત્યનાથ જ હશે ભાજપનો ચહેરો

Police-Story

ગંગા નદીમાં ૧૪ લોકો ભરેલી બોટ ડૂબી, ૨ના મોત અને ૫ ગુમ

Police-Story

The S&P 500 is going to take the scenic route to all-time highs

Police-Story