30 C
Ahmedabad
October 3, 2026
Gujarat

કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, નિયમ તોડ્યો તો જેલભેગા થશો

Spread the love

રખડતાં ઢોરના ત્રાસ સામે પોલીસ એક્શનમાં

અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસને રોકવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે હવે શહેર પોલીસ મેદાને આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ જૂન ૨૦૨૬ –– શહેરમાં રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અને નિર્દોષ નાગરિકોની જાનહાનિના વધતા કિસ્સાઓને રોકવા માટે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની નિષ્ફળતા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે શહેર પોલીસ વડાએ પોતે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક (I.P.S.) દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડીને પશુ માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે પોલીસ કમિશનરે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩(૧)(બી)(સી)(ઇ) અન્વયે સત્તાવાર આદેશ જારી કર્યો છે. આ આદેશ હેઠળ અમદાવાદના કેટલાક વિસ્તારોને સંપૂર્ણપણે પશુમુક્ત બનાવવાની દિશામાં કવાયત શરૂ કરાઈ છે.

નવા જાહેરનામા અનુસાર, અમદાવાદના ચોક્કસ વિસ્તારોને નો-કેટલ ઝોન (No-Cattle Zone)અને કેટલ ફ્રી એરિયા (Cattle Free Area) તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે રામોલ, વસ્ત્રાલ અને હાથીજણ જેવા વિસ્તારોને આ ઝોન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પ્રતિબંધિત વિસ્તારોમાં કોઈપણ પશુ માલિક પોતાના પશુઓને જાહેરમાં રખડતા મૂકી શકશે નહીં.

જાહેરનામામાં પશુ માલિકો માટે માર્ગદર્શિકા જાહેર કરતા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી ૬૦ દિવસની અંદર તમામ પશુ માલિકોએ પોતાના પશુઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. દરેક પશુ પર RFID (Radio Frequency Identification) ચીપ અને ટેગ લગાવવાના રહેશે, જેથી પશુ કોનું છે તેની તુરંત ઓળખ થઈ શકે. જો પશુની માલિકીમાં ફેરફાર થાય, તેનું વેચાણ થાય કે પશુનું મૃત્યુ થાય, તો તેની જાણ કોર્પોરેશનને કરવી ફરજિયાત રહેશે.

પશુઓ રસ્તા પર એકઠા ન થાય તે માટે આ જાહેરનામામાં અન્ય એક મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના જાહેર રસ્તાઓ પર ઘાસચારાના વેચાણ કરવા પર અને જાહેરમાં પશુઓને ઘાસ નીરવા (નાખવા) પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
જો કોઈ પણ પશુ માલિક આ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેમની સામે પોલીસ ફરિયાદ (FIR) નોંધીને જાહેરનામા ભંગ હેઠળ કડક કાયદેસરના પગલાં લેવાશે. આ સમગ્ર ઝુંબેશને સફળ બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસ અને AMCનો ઢોર ત્રાસ અંકુશ વિભાગ (CNCD) સંયુક્ત રીતે સંકલન કરીને કામ કરશે.

Related posts

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા

Police-Story

ઘરમાં પત્તા રમવા ગુનો નથી, જ્યાં સુધી તેમાં ‘નફાનું તત્ત્વ’ સાબિત ન થાય

Police-Story

અલ નીનોની અસર વચ્ચે ગુજરાતમાં ૨૫ જૂન પછી જામશે ચોમાસું

Police-Story