34.5 C
Ahmedabad
October 3, 2026
National

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

Spread the love

પહેલીવાર સંસદને કરશે સંબોધન

તેઓ દરિયાઈ સુરક્ષા, બ્લૂ ઇકોનોમી, ડિજિટલ સહયોગ અને MAHASAGAR વિઝન સહિતના મુદ્દાઓ પર ચર્ચા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૭ જૂન ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ૩ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ માટે રવાના થયા છે. ૨૭થી ૨૯ જૂન સુધી ચાલનારી આ મુલાકાત દરમિયાન તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતિ ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેશે. વડાપ્રધાન આ પ્રવાસ સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર કરી રહ્યા છે.
સેશેલ્સ જવા પહેલાં જારી કરેલા નિવેદનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સેશેલ્સ ભારતનો મહત્વપૂર્ણ દરિયાઈ પડોશી દેશ અને વિઝન મહાસાગરનો મુખ્ય ભાગીદાર છે. તેમણે કહ્યું કે, ગ્લોબલ સાઉથ પ્રત્યે બંને દેશોની સંયુક્ત પ્રતિબદ્ધતા તેમના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ વર્ષે ભારત અને સેશેલ્સ પોતાના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના ૫૦ વર્ષ પણ ઉજવી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો, વિવિધતાના સન્માન અને લોકો વચ્ચેના ગાઢ સંબંધો પર આધારિત છે. તેમણે ફેબ્રુઆરી ૨૦૨૬માં રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીની ભારત મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે બંને દેશો વચ્ચેના સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાનો અવસર છે.

આ મુલાકાતની સૌથી મોટી ખાસિયત એ રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધન કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે. તેમણે તેને બંને લોકશાહી દેશો અને તેમની સંસદીય પરંપરાઓ વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક ગણાવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન સેશેલ્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરશે, જેમણે વર્ષોથી બંને દેશો વચ્ચે મજબૂત સેતુ તરીકેની ભૂમિકા ભજવી છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સેશેલ્સ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ હર્મિની દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા કરશે. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, બ્લૂ ઇકોનોમી, ડિજિટલ ગવર્નન્સ, ક્ષમતા નિર્માણ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને દેશો હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સહયોગ વધુ મજબૂત બનાવવા પર પણ વિચાર કરશે.

ભારત અને સેશેલ્સ ડિજિટલ ક્ષેત્રમાં પણ સહયોગ વધારી રહ્યા છે. ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ હર્મિનીની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI), ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અને ઇ-ગવર્નન્સના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાની સંમતિ વ્યક્ત કરી હતી. ભારત સેશેલ્સની જરૂરિયાતો અનુસાર ડિજિટલ માળખું વિકસાવવામાં મદદ કરશે.

સેશેલ્સમાં ભારતના હાઈ કમિશનર રોહિત રાથીશના જણાવ્યા મુજબ, વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સુરક્ષા, સાયબર સ્પેસ, દરિયાઈ વિજ્ઞાન, દરિયાઈ સંરક્ષણ અને બ્લૂ ઇકોનોમી જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ખાસ ભાર આપવામાં આવશે.
નિષ્ણાતોનું માનવું છે કે, આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધો સુધી મર્યાદિત નથી, પરંતુ હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક હાજરીને વધુ મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

વિઝન મહાસાગર હેઠળ ભારત દરિયાઈ સુરક્ષા, પ્રાદેશિક વિકાસ અને ભાગીદાર દેશોની ક્ષમતા નિર્માણ પર સતત ભાર મૂકી રહ્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીની આ મુલાકાત ભારત-સેશેલ્સ સંબંધોને નવી ઊર્જા આપવાની સાથે હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

વડાપ્રધાન મોદીનું આશ્વાસનઃ ભવિષ્યમાં પેપર લીક રોકવા ફૂલ-પ્રૂફ સિસ્ટમ બનાવાશે

Police-Story

ભારે હંગામા વચ્ચે એન્ટી પેપરલીક સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

Police-Story

દુનિયાની કોઈ તાકાત ભારતને ઝૂકાવી નહીં શકે : વડાપ્રધાન

Police-Story