33.5 C
Ahmedabad
October 3, 2026
CrimeGujarat

કાલુપુરના વેપારીના નામે આંગડિયામાંથી બારોબાર રૂપિયા ૩૫ લાખ મગાવી ઠગાઈ

Spread the love

ગઠિયાએ વેપારીના ભાઈના મિત્રનું નામ આપી છેતરપિંડી

વેપારીના રૂપિયા પાછા નહીં આવતાં ઓઢવ પોલીસ સ્ટેશનનાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૯ જૂન ૨૦૨૬ | કાલુપુરના વેપારીના મિત્રના નામે અજાણ્યા શખ્સે વેપારીના તમિલનાડુમાં રહેતા ભાઈને ફોન કર્યો હતો અને મુંબઈમાં રૂ. ૩૫ લાખની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું. ‘બે કલાકમાં રૂપિયા પાછા તમારી જગ્યાએ મળી જશે’ તેમ કહી વિશ્વાસમાં લઈ વેપારીના ભાઈ પાસેથી મુંબઈની આંગડિયા પેઢીમાં રૂપિયા મગાવી લીધા હતા. જો કે, રૂપિયા પાછા નહીં આવતાં વેપારી અને તેમના ભાઈએ મિત્રને ફોન કરીને ખરાઈ કરતાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું પ્રકાશમાં આવતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ રાજસ્થાનના વતની અને હાલ ઓઢવમાં રહેતા ૪૪ વર્ષીય આશારામ ચૌધરી કાલુપુરમાં કાપડની દુકાન ધરાવે છે. તેમના ભાઈ જોરારામ તમિલનાડુમાં સાડીની દુકાન ચલાવે છે અને તેમના મિત્ર રમેશ કોટડા બેંગલુરુમાં કાપડનો ધંધો કરે છે. આ ત્રણેય ધંધાના અર્થે નાણાકીય વ્યવહાર અવારનવાર આંગડિયા મારફતે કરતા હોય છે. ગત ફેબ્રુઆરીમાં સાંજના સમયે તમિલનાડુ રહેતા વેપારીના ભાઈ જોરારામ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ બેંગલુરુવાળા મિત્ર રમેશ કોટડા તરીકે આપી જણાવ્યું હતું કે, ‘હું હાલ મુંબઈમાં છું અને મારો જૂનો નંબર બંધ થઈ ગયો હોવાથી નવા નંબર પરથી ફોન કરું છું. તમારા ભાઈ આશારામ સાથે વાતચીત થઈ ગઈ છે. મારે તાત્કાલિક ૩૫ લાખ રૂપિયાની જરૂર છે, તો તમે બોમ્બે શાંતિ ગલીમાં કાલબાદેવી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં રૂપિયા મોકલી આપો. હું બે કલાકમાં તમારી જગ્યા પર રૂપિયા પહોંચતા કરાવી દઈશ.’ વેપારીના ભાઈએ વિશ્વાસ રાખી આંગડિયા પેઢીમાં રૂ. ૩૫ લાખ મોકલી આપ્યા હતા. બે કલાક વીતી ગયા બાદ પણ રૂપિયા પાછા નહીં આવતાં તેમણે આશારામને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ વેપારીએ મિત્ર રમેશ કોટડાને ફોન કરીને પૂછતાં જાણવા મળ્યું હતું કે તેમણે આવો કોઈ ફોન જ કર્યો નથી અને છેલ્લા કેટલાક સમયથી તેમના નામનો દુરુપયોગ કરીને કેટલાક લોકો આ પ્રકારે ઠગાઈ આચરી રહ્યા છે. વેપારીએ નાણાં પરત મેળવવા અનેક પ્રયાસો કર્યા પરંતુ સફળતા ન મળતાં આખરે આ અંગે ઓઢવ પોલીસે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related posts

ગીર સોમનાથમાં ૩૧૦ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો

Police-Story

ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી-સાગરીતોના CCTV મળ્યા

Police-Story

અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ

Police-Story