ગોકુલ ડેરી પર કબજાની રાજનીતિ
કોલ્હાપુરમાં પશુઓ સાથે ખેડૂતોનો કલેક્ટર કચેરી સુધી મોરચો, કોંગ્રેસે બહુમતી પલટાવવાનો આક્ષેપ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલ્હાપુર, તા.૯ નવેમ્બર ૨૦૨૬ — મહારાષ્ટ્રના કોલ્હાપુરની પ્રતિષ્ઠિત ગોકુલ દૂધ સહકારી સંસ્થાના નિયંત્રણને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે સહકારી સંસ્થાઓના નિયમોમાં ફેરફાર કરીને સરકારી નિયુક્ત સભ્યોને મતદાનનો અધિકાર આપતો વટહુકમ બહાર પાડતાં વિપક્ષે વિરોધ શરૂ કર્યો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ, મહાવિકાસ અઘાડી (સ્ફછ) અને દૂધ ઉત્પાદક ખેડૂતોએ પશુઓ સાથે વિશાળ મોરચો કાઢીને જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદના સભ્ય સતેજ (બંટી) પાટિલની આગેવાની હેઠળ રાજર્ષિ શાહૂ શેતકરી સમવિચારી અઘાડી દ્વારા કોલ્હાપુરના દશેરા ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિરોધ મોરચો યોજાયો હતો. તેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક ખેડૂતો પોતાના પશુઓ સાથે જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ કાળા વાવટા અને સરકાર વિરોધી બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વટહુકમ પાછો ખેંચવાની માગ કરી હતી.
આ મોરચામાં સાંસદ વિશાલ પાટિલ, ધૈર્યશીલ મોહિતે-પાટિલ અને સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજૂ શેટ્ટી સહિતના નેતાઓ જોડાયા હતા. સ્થાનિક વકીલોએ પણ સહકારી સંસ્થાઓમાં લોકશાહી મૂલ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારોના રક્ષણ માટે આંદોલનને સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસે ભાજપ સરકાર પર ચૂંટાયેલી બહુમતીને પલટાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. ગોકુલ દૂધ સંઘની ૨૫ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત પેનલે ૧૩ બેઠકો જીતીને બહુમતી મેળવી હતી, જ્યારે ભાજપ અને મહાયુતિ સમર્થિત પેનલને ૧૨ બેઠકો મળી હતી.
કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણીમાં બહુમતી ન મેળવી શક્યા બાદ સરકારે નિયમોમાં ફેરફાર કરીને સરકારી નિયુક્ત સભ્યોને મતદાનનો અધિકાર આપ્યો છે. આ ચાર સભ્યોના મતાધિકારને કારણે શાસક પક્ષનું સંખ્યાબળ ૧૨થી વધીને ૧૬ થઈ શકે છે. વિપક્ષના મતે, આ નિર્ણયથી ચૂંટાયેલા બોર્ડનું મૂળ સમીકરણ બદલાઈ શકે છે.
મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, ૧૯૬૦માં સુધારો કરીને નવો વટહુકમ બહાર પાડ્યો છે. આ જોગવાઈ મુજબ, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સિવાય રૂ.૫૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતી સહકારી સંસ્થાઓની મેનેજિંગ કમિટીમાં સરકાર પાંચ સભ્યોની નિમણૂક કરી શકશે. તેમાંથી ચાર સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મતદાનનો અધિકાર આપવામાં આવશે.
રૂ.૪,૦૦૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ગોકુલ ડેરી પર આ જોગવાઈની સીધી અસર થવાની શક્યતા છે. વિપક્ષનો દાવો છે કે ચાર સરકારી સભ્યોના મતાધિકારથી સંસ્થાના સંચાલનનું રાજકીય સમીકરણ બદલાઈ શકે છે.
સરકારના નિર્ણય સામે સમવિચારી અઘાડીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને વટહુકમ રદ કરવાની માગ કરી છે.