NationalPolitics

પંજાબમાં ૨૦૨૭ની ચૂંટણી પહેલાં ભાજપનું મોટું રાજકીય આયોજન

Spread the love

રાઘવ ચઢ્ઢા ૫ સાંસદોને સોંપી મહત્વની જવાબદારી

અવિનાશ રાય ખન્નાને મેનિફેસ્ટો કમિટીનું સુકાન, સુનીલ જાખડને ચાર્જશીટ કમિટીની જવાબદારી સોંપાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંડીગઢ, તા.૧૬ નવેમ્બર ૨૦૨૬ — પંજાબમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દીધી છે. રાજ્યમાં રાજકીય સમીકરણો વચ્ચે ભાજપે ચૂંટણીની રણનીતિ ઘડવા માટે બે મહત્ત્વપૂર્ણ સમિતિઓની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી (છછઁ) છોડીને ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢા સહિત પાંચ રાજ્યસભા સાંસદોને આ સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપના આ નિર્ણયને પંજાબમાં ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોને રવિવારે બંને સમિતિઓની જાહેરાત કરી હતી. ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની જવાબદારી પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા અવિનાશ રાય ખન્નાને સોંપવામાં આવી છે. તેમના નેતૃત્વ હેઠળની મેનિફેસ્ટો કમિટીમાં મનપ્રીત સિંહ બાદલ, અશ્વની શર્મા, મનોરંજન કાલિયા, સોમ પ્રકાશ, રાણા ગુરમીત સિંહ સોઢી, અશ્વની સેખરી, સતનામ સિંહ સંધૂ, રાઘવ ચઢ્ઢા, રાજિંદર ગુપ્તા, હરભજન સિંહ, પરમપાલ કૌર અને એચ. એસ. ફૂલ્કાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સમિતિ પંજાબની સ્થાનિક સમસ્યાઓ, જનતાની અપેક્ષાઓ અને વિવિધ ક્ષેત્રોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે. ભાજપે બીજી મહત્ત્વપૂર્ણ જવાબદારી પ્રદેશના વરિષ્ઠ નેતા સુનીલ જાખડને સોંપી છે. તેમને ચાર્જશીટ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ સમિતિમાં ઈકબાલ સિંહ લાલપુરા, વિજય સાંપલા, શ્વેત મલિક, મહારાણી પરનીત કૌર, રવનીત સિંહ બિટ્ટૂ, દિનેશ બબ્બૂ, સુશીલ રિંકૂ, ગેજા રામ, વિક્રમજીત સિંહ સાહની, અશોક મિત્તલ, સંદીપ પાઠક, એસ. એસ. ચન્ની અને જગમીત સિંહ બરાડ સહિતના નેતાઓને સ્થાન મળ્યું છે. ચાર્જશીટ કમિટી ચૂંટણી પહેલાં રાજકીય મુદ્દાઓ અને શાસન સંબંધિત બાબતોને એકત્રિત કરીને પાર્ટીની રજૂઆત તૈયાર કરવાની કામગીરી કરશે. ભાજપની આ સમિતિઓમાં રાઘવ ચઢ્ઢા સહિત છછઁમાંથી ભાજપમાં જોડાયેલા પાંચ રાજ્યસભા સાંસદોને સ્થાન મળ્યું છે. આ નિર્ણયથી પંજાબના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

ભાજપ દ્વારા અલગ-અલગ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને સમિતિઓમાં સામેલ કરીને ચૂંટણીની તૈયારીઓમાં તેમની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, પંજાબ કોંગ્રેસે પણ આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલાં લીધાં છે. અન્ય પક્ષોના નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે ચાર સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે અન્ય પક્ષોના નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતાં પહેલાં સંબંધિત વિસ્તારના વરિષ્ઠ નેતાઓ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખો સાથે ચર્ચા કરવામાં આવશે. સ્થાનિક સંગઠનના અભિપ્રાયને મહત્ત્વ આપ્યા બાદ જ પક્ષપ્રવેશ અંગે નિર્ણય લેવામાં આવશે.

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩-૩ સુધીનો તોતિંગ વધારો ઝિંકાયો

Police-Story

તૃણમૂલના ૨૦ સાંસદ અને ૫૦ ધારાસભ્ય પક્ષપલટાની તૈયારીમાં

Police-Story

ભારતે સિંધુ જળ સંધિ પર આંતર રાષ્ટ્રીય કોર્ટના ચુકાદાને ફગાવી દીધો

Police-Story