29 C
Ahmedabad
May 11, 2026
Gujarat

ગુજરાતમાં પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો

નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ ૫થી ૧૦ ટકાનો વધારો

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૪ એપ્રિલ ૨૦૨૬ — ગુજરાતમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ માટે વિદેશી દારૂ અને બિયરના નવા દર નક્કી કરવામાં આવ્યા છે.

વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, દારૂ અને બિયરની વિવિધ બ્રાન્ડની કિંમતોમાં સરેરાશ ૫થી ૧૦ ટકાનો વધારો કરાયો છે. આ નવા ભાવના અમલ સાથે જ હવે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂના મુદ્દામાલની ગણતરી પણ ઊંચી કિંમતે કરવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા દર વર્ષે દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવે છે.

અત્યાર સુધી પોલીસ જૂના ભાવ મુજબ જપ્ત કરેલા જથ્થાની કિંમત આંકતી હતી, પરંતુ હવે આબકારી વિભાગના નવા પરિપત્ર મુજબ, હવે પોલીસ જપ્ત કરેલી બોટલોની કિંમત નવા દર પ્રમાણે નક્કી કરશે, જેનાથી કુલ મુદ્દામાલના આંકડામાં મોટો ઉછાળો જોવા મળશે.

દરોડા દરમિયાન પકડાયેલ જથ્થાની બજાર કિંમત હવે નવી બ્રાન્ડ વાઈઝ યાદી મુજબ જાહેર કરાશે.

રાજ્યમાં જે લોકો લિકર લાયસન્સ ધરાવે છે અને અધિકૃત હોટલો કે વાઈન શોપમાંથી દારૂ-બિયર ખરીદે છે, તેમના માટે કિંમતોમાં વધારો થયો છે.

વિભાગ દ્વારા વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયર ટીન/બોટલની નવી કિંમતો જાહેર કરાઈ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

નવા જાહેરનામાની મુખ્ય અસરો
• પોલીસ દ્વારા પકડાતા દારૂના કેસોમાં હવે રકમનો આંકડો મોટો દેખાશે.
• કાયદેસર રીતે દારૂ મેળવતા પરમિટ ધારકોએ હવે વધુ કિંમત ચૂકવવી પડશે.
• આબકારી વિભાગે આગામી બે વર્ષ માટે આ દરો નક્કી કર્યા હોવાથી તમામ લાયસન્સ ધરાવતી સંસ્થાઓએ આ ભાવપત્રકનો અમલ કરવાનો રહેશે.

નોંધનીય છે કે, નશાબંધી અને આબકારી વિભાગ દર વર્ષે બજારની સ્થિતિ અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને ભાવમાં સુધારો કરતું હોય છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટેનો આ નવો પરિપત્ર તાત્કાલિક અસરથી અમલી બનશે.

Related posts

નારણપુરા ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેલ થતા અકસ્માત

Police-Story

મહુવા તાલુકાના ઉમણીયાવર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો

Police-Story

ગાંધીનગરમાં હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય

Police-Story

Leave a Comment