33.6 C
Ahmedabad
October 3, 2026
National

હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથી

Spread the love

સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન

હિન્દુત્વ એ જીવન જીવવાની એક રીત છે, શ્રદ્ધા સાબિત કરવા ઘરમાં દીવો પ્રગટાવવો પણ પૂરતો છે : સુપ્રીમ કોર્ટ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ મે ૨૦૨૬ — સબરીમાલા મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોએ મહિલાઓના પ્રવેશ તેમજ ભેદભાવના મામલે સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વની સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન બુધવારે (૧૩ મે, ૨૦૨૬) દેશની સર્વોચ્ચ અદાલતે હિન્દુ ધર્મ અને આસ્થાને લઈને એક બહુ જ મોટું અને સૂચક અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે હિન્દુત્વ એ કોઈ બંધાયેલો કટ્ટર ધર્મ નથી, પરંતુ એક જીવન જીવવાની રીત (way of life) છે. સાચા હિન્દુ હોવા માટે કે પોતાની શ્રદ્ધા સાબિત કરવા માટે તમારે રોજ મંદિરે જવું કે મોટા-મોટા ધાર્મિક અનુષ્ઠાનો કરવા જરાય જરૂરી નથી. જો તમે તમારા ઘરના ખૂણામાં આસ્થાથી એક નાનકડો દીવો પ્રગટાવી લો છો, તો પણ તમારી શ્રદ્ધા સાબિત કરવા માટે તે પૂરતું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ૯ જજોની એક મોટી બંધારણીય બેન્ચ આ સંવેદનશીલ કેસની સુનાવણી કરી રહી છે. આ અરજીઓમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓ સાથે થતા ભેદભાવથી લઈને દાઉદી વ્હોરા સમુદાય સહિતના અલગ-અલગ ધર્મોમાં ’ધાર્મિક સ્વતંત્રતા’ ના અધિકારોની મર્યાદા અંગે ચર્ચા થઈ રહી છે. બુધવારે આ કેસની સુનાવણીનો ૧૫મો દિવસ હતો.

કોર્ટરૂમમાં ચર્ચા દરમિયાન શું થયું તે વિગતે જાણીએ તો, સુનાવણી શરૂ થતાં જ એક પક્ષના વકીલ ડૉ. જી. મોહન ગોપાલે પોતાની દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે હવે અલગ-અલગ ધાર્મિક સમુદાયોમાંથી સામાજિક ન્યાયની માંગ ઊઠી રહી છે. ૧૯૬૬ ના એક સંદર્ભનો ઉલ્લેખ કરતા વકીલે કહ્યું કે, “એક સમયે એવું માની લેવાયું હતું કે જે વ્યક્તિ આધ્યાત્મિક અને દાર્શનિક બાબતોમાં વેદોને સર્વોચ્ચ માને છે તે જ સાચો હિન્દુ છે. જોકે મને વેદો પ્રત્યે પૂરો આદર છે, પરંતુ મારો સવાલ એ છે કે શું આજે પોતાની જાતને હિન્દુ કહેવડાવતો દરેક વ્યક્તિ ખરેખર વેદોને જ સર્વોચ્ચ માને છે? અમને તો કોઈએ પૂછ્યું જ નહોતું.”
વકીલની આ દલીલનો ખૂબ જ સચોટ જવાબ આપતા જસ્ટિસ બી.વી. નાગરત્નાએ કહ્યું કે, “તમારી વાત સાચી છે, અને એટલા માટે જ તો હિન્દુ ધર્મને એક ’જીવનશૈલી’ કહેવામાં આવે છે. એક હિન્દુ તરીકે રહેવા માટે કાયમ મંદિરમાં જવું કે કોઈ ચોક્કસ ધાર્મિક વિધિઓ કરવી ફરજિયાત નથી.” જસ્ટિસ નાગરત્નાએ એમ પણ ઉમેર્યું કે કોઈ પણ વ્યક્તિએ પરાણે ધાર્મિક બનવાનો દેખાડો કરવાની જરૂર નથી અને સાચા શ્રદ્ધાળુ લોકોના માર્ગમાં કોઈ કાનૂન કે પ્રથા અવરોધ બની શકે નહીં. આ ચર્ચામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પણ સૂર પુરાવતા નોંધ્યું કે વ્યક્તિની શ્રદ્ધા સાબિત કરવા માટે પોતાના ઘરમાં પ્રગટાવેલો એક દીવો પણ કાફી છે.

અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે, સપ્ટેમ્બર ૨૦૧૮ માં સુપ્રીમ કોર્ટની ૫ જજોની બંધારણીય બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ બહુમતી ચુકાદામાં કેરળના સબરીમાલા અયપ્પા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પર જે સદીઓ જૂનો પ્રતિબંધ હતો, તેને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવીને ફગાવી દીધો હતો. હાલમાં આ ૯ જજોની બેન્ચ આ જ પ્રકારની ધાર્મિક માન્યતાઓ અને લોકોના મૂળભૂત અધિકારો વચ્ચેના ટકરાવ અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

Related posts

ત્રણ દિવસમાં ૧.૫૦ કરોડ એલપીજી બુકિંગ સામે ૧.૪૩ કરોડ સિલિન્ડર અપાયાઃ સરકાર

Police-Story

દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ પણ પ્રકારની અછત નથી

Police-Story

મેકડોનાલ્ડ્‌સ સહિત ૧૩ ફૂડ આઉટલેટ્‌સના લાઇસન્સ સસ્પેન્ડ

Police-Story

1 comment

Clinton4108 May 14, 2026 at 12:52 pm Reply

Leave a Comment