30 C
Ahmedabad
October 3, 2026
International

ઈરાન બોર્ડર નજીક અમેરિકાનું ઘાતક હેલિકોપ્ટર ક્રેશ થતાં ફફડાટ

Spread the love

ટ્રમ્પનો દાવો- પાયલોટ સુરક્ષિત

આ અત્યાધુનિક હેલિકોપ્ટર કેવી રીતે તૂટી પડ્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૯ જૂન ૨૦૨૬ –– અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ શાંતિ મંત્રણા છતાં હજુ પણ યથાવત્‌ છે. આ જ ગરમાગરમી વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ નજીક અમેરિકન સેનાનું એક શક્તિશાળી અપાચે ગનશિપ હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર બંને લશ્કરી કર્મચારીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, આ અત્યાધુનિક હેલિકોપ્ટર કેવી રીતે તૂટી પડ્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ હેલિકોપ્ટર ક્રેશ એવા સમયે થયું છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલું સીઝફાયર અત્યંત નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અપાચે અટેક હેલિકોપ્ટર તૂટી પડવા પાછળનું અસલી કારણ શું છે તે હજુ રહસ્ય છે. શું આ હેલિકોપ્ટર ઈરાન તરફથી કરવામાં આવેલા કોઈ ફાયરિંગનો ભોગ બન્યું છે, કે પછી તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અથવા તો અન્ય કોઈ કારણ જવાબદાર છે, તેની તપાસ ચાલી રહી છે. આ વિસ્તારની અસ્થિરતા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા આગામી બે અઠવાડિયામાં ઈરાન પર સંપૂર્ણ વિજય મેળવી લેશે.

દુર્ઘટના બાદ ન્યૂયોર્કના જોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એનબીએ ફાઇનલ જોયા પછી પત્રકારો સાથે વાતચીત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ પાસે ક્રેશ થયેલા હેલિકોપ્ટરના બંને પાયલટ એકદમ ઠીક અને સુરક્ષિત છે. આ ઘટના બાદ અમેરિકન સેના પણ ઍલર્ટ મોડ પર આવી ગઈ છે.

મીડિયા અહેવાલ મુજબ, ટ્રમ્પે ભરોસો વ્યક્ત કર્યો છે કે ઈરાન સાથે એક નવી ન્યૂક્લિયર ડીલ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. તેમણે કહ્યું કે હાલમાં અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ઈરાન એક ખૂબ જ સારી ડીલ કરવા ઇચ્છે છે, તેઓ આપણને બધું જ આપવા તૈયાર છે. આ નવી ડીલ વૈશ્વિક એનર્જી માર્કેટનું ચિત્ર બદલી નાખશે, જેના કારણે ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો થશે અને સમગ્ર વિશ્વમાં સ્થિતિ ઘણી સુધરશે.

આ વૈશ્વિક તણાવ વચ્ચે ટ્રમ્પે નેતન્યાહૂને પણ કડક ચેતવણી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈઝરાયલ હિઝબુલ્લાહ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર હુમલા કરવાનું બંધ કરે. અગાઉ બેરૂતમાં ઈઝરાયલે કરેલા હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલા કર્યા હતા. જોકે, આ વિવાદ વચ્ચે હવે ઈરાને સત્તાવાર જાહેરાત કરી છે કે તેણે હાલ પૂરતી ઈઝરાયલ વિરુદ્ધની પોતાની તમામ સૈન્ય કાર્યવાહીઓ રોકી દીધી છે.

Related posts

‘ઈરાનના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ’

Police-Story

ફ્રાન્સમાં ગરમીને કારણે ૨૦ દિવસમાં ૨૧૬૭૪ લોકોનાં મોત નિપજ્યાં

Police-Story

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાનમાં સતત ૧૦માં દિવસે અમેરિકાની એરસ્ટ્રાઈક

Police-Story