Gujarat

GSRTCની ઐતિહાસિક કમાણી: માત્ર ૪૮ કલાકમાં ₹૭.૧ કરોડથી વધુની ઓનલાઈન આવક, ૨૪ કલાકમાં જ પોતાનો રેકોર્ડ તોડ્યો

Spread the love

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ ડિજિટલ ટિકિટિંગ અને ઓનલાઈન બુકિંગમાં વધુ એક શાનદાર સિદ્ધિ પોતાના નામે કરી છે. તહેવારોના માહોલમાં પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે નિગમના ઓનલાઈન બુકિંગમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. ૧૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ નોંધાયેલા વિક્રમને માત્ર એક જ દિવસમાં એટલે કે ૧૨ નવેમ્બરે GSRTCએ પાછળ છોડી દીધો હતો. ૧૨ નવેમ્બરે ૧.૫૦ લાખ કરતાં પણ વધુ સીટનું ઓનલાઈન બુકિંગ થતાં નવો રેકોર્ડ બન્યો હતો અને માત્ર ૪૮ કલાકના ગાળામાં નિગમની કુલ ઓનલાઈન આવક ₹૭.૧ કરોડને વટાવી ગઈ હતી.

એક જ દિવસમાં ૩,૧૩૫ વધુ સીટ બુક, આવકમાં ₹૯.૩૮ લાખનો વધારો

નિગમના સત્તાવાર આંકડા મુજબ, ૧૧ નવેમ્બરે ભાઈબીજના દિવસે ૧,૪૬,૮૭૫ બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું હતું, જેનાથી ₹૩.૫૫ કરોડની આવક થઈ હતી. ત્યારબાદ ૧૨ નવેમ્બરે બુકિંગમાં વધુ ઉછાળો આવતા ૧,૫૦,૦૧૦ બેઠકો ઓનલાઈન બુક થઈ હતી અને આવક ₹૩.૬૪ કરોડ પર પહોંચી હતી. આમ, ૨૪ કલાકમાં જ ૩,૧૩૫ બેઠકોનું વધારાનું બુકિંગ નોંધાયું હતું અને દૈનિક આવકમાં ₹૯.૩૮ લાખનો વધારો થયો હતો. બંને દિવસ મળીને કુલ ઓનલાઈન આવક ₹૭.૧ કરોડથી વધુ નોંધાઈ છે.

મોબાઇલ એપ દ્વારા બુકિંગમાં એક લાખનો આંકડો પાર

પ્રવાસીઓમાં GSRTCની મોબાઇલ એપનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ૧૧ નવેમ્બરે મોબાઇલ એપ મારફતે ૯૯,૪૦૨ બેઠકો બુક થઈ હતી અને ₹૨.૨૬ કરોડની આવક થઈ હતી. જ્યારે ૧૨ નવેમ્બરે એપ દ્વારા બુકિંગ ૧ લાખનો આંકડો પાર કરીને ૧,૦૦,૨૮૩ બેઠકો સુધી પહોંચ્યું હતું, જેનાથી નિગમને ₹૨.૩૦ કરોડની આવક મળી હતી. લાઈનોમાં ઊભા રહેવાને બદલે ઘરે બેઠા સરળતાથી ટિકિટ બુક કરવાની સુવિધાને કારણે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ વધી રહ્યો છે.

સતત ૭મા વર્ષે દેશભરમાં ‘નંબર 1 STU’ નું ગૌરવ

ઓનલાઈન ટિકિટિંગ ક્ષેત્રે મળેલી આ સફળતા સાથે GSRTCએ સતત સાતમા વર્ષે દેશના તમામ રાજ્ય પરિવહન નિગમો (STU)માં સૌથી વધુ ઓનલાઈન બુકિંગ અને આવક મેળવીને ‘નંબર 1 STU’ બનવાનું ગૌરવ જાળવી રાખ્યું છે. આ સિદ્ધિ બદલ નિગમ દ્વારા મુસાફરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Related posts

૧૪૯મી રથયાત્રા પહેલા નીકળી પવિત્ર જળયાત્રા

Police-Story

કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી

Police-Story

જનતાનો મિજાજ ગરમઃ સરસપુરમાં યુવકે ભાજપ કાર્યકરને લાફા ઝીંકી દીધા

Police-Story