33 C
Ahmedabad
October 2, 2026
National

તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી ૯૯% રાશન મોંઘું થયું

Spread the love

સામાન્ય માણસનું બજેટ વધુ ખોરવાયું

અમેરિકા-ઈરાન યુદ્ધ અને નબળા ચોમાસાની બેવડી અસરથી છેલ્લા ૫ મહિનામાં ખાદ્યચીજોના ભાવ આસમાને

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ ઓગસ્ટ ૨૦૨૬ –– વર્ષ ૨૦૨૬ ની શરૂઆત ભલે સારી રહી હોય, પરંતુ છેલ્લા ૫ મહિનામાં મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. રાશનની દુકાને મળતા તેલ અને કઠોળથી લઈને રોજિંદા વપરાશના દૂધ અને ખાંડ સુધીની ૯૯% વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.

આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલું ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ છે, જેની વૈશ્વિક અસર ભારતના બજારો પર પણ પડી છે. આ ઉપરાંત દેશમાં નબળા ચોમાસાના કારણે પણ ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે, આગામી તહેવારોની સિઝનમાં લોકોના ખિસ્સા પર મોંઘવારીનો આ માર વધુ આકરો બનવાનો છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી આ અસ્થિરતાના કારણે ઈંધણથી લઈને રોજિંદી ખાદ્ય સામગ્રી મોંઘી થવા લાગી. ગ્રાહક બાબતોના વિભાગ (Department of Consumer Affairs) ની પ્રાઇસ મોનિટરિંગ સિસ્ટમનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે બજારમાં લગભગ ૯૯ ટકા રાશનની વસ્તુઓના ભાવ વધી ગયા છે. છેલ્લા પાંચ મહિનાથી જનતા આ વૈશ્વિક આપત્તિ અને મોંઘવારીનો ભોગ બની રહી છે.

સરકારી રિપોર્ટ અનુસાર, બજારમાં ૩૬ મુખ્ય ખાદ્ય ચીજવસ્તુઓમાંથી ૩૫ વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને ખાદ્યતેલ અને કઠોળના ભાવ સૌથી વધુ ઝડપથી વધ્યા છે. કૃષિ નિષ્ણાતોનું માનીએ તો, કઠોળના ભાવ વધવા પાછળનું એક મોટું કારણ આ વર્ષે પડેલો ઓછો વરસાદ છે. જુલાઈ મહિનાના અંત સુધીના આંકડા મુજબ, ખરીફ કઠોળનું વાવેતર અને પાક ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૭% ઓછો રહ્યો છે. સ્થાનિક ઉત્પાદન ઘટવાને કારણે આપણે બહારથી વધુ આયાત કરવી પડી રહી છે, જે સીધી રીતે કિંમતોમાં વધારો કરી રહી છે.

ઓગસ્ટ મહિનાથી જ ભારતમાં તહેવારોની લાંબી વણઝાર શરૂ થઈ જાય છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને ત્યારબાદ રક્ષાબંધન, તીજ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો એકપછી એક આવવાના છે.

તહેવારોની સિઝનમાં મીઠાઈઓ અને પકવાનો બનતા હોવાથી તમામ ખાદ્ય પદાર્થોની માંગમાં ભારે ઉછાળો આવે છે. જો વૈશ્વિક સ્તરે યુદ્ધની આ જ સ્થિતિ યથાવત્‌ રહેશે અને પુરવઠો ખોરવાયેલો રહેશે, તો તહેવારો દરમિયાન સામાન્ય માણસ માટે ફુગાવો હજુ વધુ આકરો સાબિત થઈ શકે છે.

Related posts

૩૭ ગીગાવૉટની ક્ષમતાના ઉમેરા સાથે સૌર ઊર્જા મામલે ભારતે અમેરિકાને પછાડ્યું

Police-Story

મમતા સરકારે માતાઓને રડાવી અને ગૂંડાઓનો સાથ આપ્યો

Police-Story

ગુજરાતી ગેંગને ૧૦ જન્મ પણ ઓછા પડશે

Police-Story