33.5 C
Ahmedabad
October 3, 2026
National

નેપાળમાં ૧૫૦થી વધુ ગુજરાતીઓ સંપર્કવિહોણા થયાની આશંકા

Spread the love

પરિવારોમાં ચિંતાનો માહોલ

વિદેશી નાગરિકત્વ ધરાવતા આ ગુજરાતીઓની સલામતી માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિગતો મેળવવામાં આવી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૬ — નેપાળ-તિબેટ સરહદે સર્જાયેલી કુદરતી હોનારત અને વિનાશક પૂરના કારણે કૈલાસ માનસરોવર યાત્રા તથા પ્રવાસે ગયેલા ભારતીયો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નેપાળ પૂર પ્રકોપમાં સંપર્ક વિહોણા થયેલા લોકોનો કુલ આંકડો ૧૫૦થી વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દરમિયાન, ગુજરાતના વધુ આઠ પ્રવાસીઓ લાપતા બન્યા છે. આ સાથે જ નેપાળમાં ગુમ થયેલા કુલ ગુજરાતીઓનો આંકડો વધીને ૨૪ પર પહોંચી ગયો છે. આપત્તિના આ સમાચાર મળતા જ પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. રાજ્ય સરકાર આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કમાં છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગુમ થયેલા પ્રવાસીઓ નેપાળ-ચીન સરહદ નજીક પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક જળપ્રલયની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના કારણે ટેલિફોન અને ઈન્ટરનેટ નેટવર્ક સંપૂર્ણ ઠપ થઈ જતાં પરિવારજનોનો તેમના સાથેનો સંપર્ક તૂટી ગયો છે. આ ઘટનામાં એક નવો વળાંક એ આવ્યો છે કે, સંપર્કવિહોણાં ગુજરાતીઓમાં બિનનિવાસી ભારતીય હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લાપતા બનેલા લોકોમાં બે અમેરિકા અને બે કેનેડાના સ્થાયી વતની છે, જેઓ નેપાળ પ્રવાસે આવ્યા હતા. વિદેશી નાગરિકત્વ ધરાવતા આ ગુજરાતીઓની સલામતી માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિગતો મેળવવામાં આવી રહી છે.ટૂર ટ્રાવેલ્સ એજન્ટોએ શંકા વ્યક્ત કરી છેકે, ચીન-તિબેટ સરહદે ઈમિગ્રેશન પ્રક્રિયા ચાલી રહી હતી તે જ સમયે ઈમિગ્રેશન સેન્ટર પર નેપાળના મુલાકાતીઓની સંખ્યા વધુ હતી. તે વખતે જ નદીઓમાં પૂર આવતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સરહદી વિસ્તારમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા કટોકટી સર્જાઈ હતી. પૂરના પાણીનો પ્રવાહ એટલો વધુ હતોકે, ઈમિગ્રેશન સેન્ટર પણ તબાહ થયુ છે. આ સ્થળે સૌથી વધુ ઘણાં લોકો તણાયા હોવાની આશંકા છે. આ તણાયેલા લોકોમાં પણ ગુજરાતી પ્રવાસીઓ હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. નેપાળ પ્રવાસે ગયેલા વલસાડના રોમાબહેન ઈંટવાળા નેપાળમાં સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. વલસાડના મામલતદારે રોમાબહેન સાથે સંપર્ક સાધીને તેઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે, જેથી તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર મારફતે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને ગુજરાતીઓને એરલિફ્ટ કરવા અને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

Related posts

લખનૌમાં કોચિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, ૧૪ લોકોના મોત

Police-Story

મહારાષ્ટ્ર સહિત ૭ રાજ્યોમાં ચોમાસાની થયેલી એન્ટ્રી

Police-Story

અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું છે

Police-Story