34 C
Ahmedabad
October 2, 2026
National

વડાપ્રધાન-ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનું ધરણું

Spread the love

દિલ્હીમાં પેપર લીક મુદ્દે રાજકીય ઘમાસાણ

ઘાયલ વિદ્યાર્થીઓને મળવા હોસ્પિટલ પહોંચ્યા કોંગ્રેસ નેતાઓ, સંસદમાં ચર્ચાની પણ માંગ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૧ જુલાઈ ૨૦૨૬ — દિલ્હીમાં પેપર લીક મામલો અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.

કોંગ્રેસના નેતાઓએ મંગળવારે વડાપ્રધાનના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ નજીક ધરણા યોજીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક સાંસદો અને કાર્યકરો આ વિરોધમાં સામેલ થયા હતા.

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. પાર્ટીનો આરોપ છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને અવગણવામાં આવી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ સાંસદો અને કાર્યકરોએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી વડાપ્રધાનના નિવાસ સુધી આશરે ૭ કિલોમીટરની પદયાત્રા યોજી હતી. જોકે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તેમને આગળ વધતા રોક્યા હતા. વિરોધ દરમિયાન અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

વિરોધ સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ઇન્દો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) સહિતના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા હતા. કાર્યકરો દ્વારા “રાજીનામું આપો”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

વિરોધ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ રામ મનોહર લોહિયા હોસ્પિટલ તથા લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. અહીં તેમણે પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે થયેલી ઘટનાનો જવાબ સરકારને આપવો પડશે. તેમણે આરોપ લગાવ્યો કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ મુદ્દે જવાબદારી નક્કી થવી જોઈએ.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે વિપક્ષ સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા માંગે છે, પરંતુ તેમને પૂરતો અવકાશ આપવામાં આવતો નથી. તેમણે વિદ્યાર્થીઓની વાત સાંભળવાની અને શિક્ષણ મંત્રી પાસેથી જવાબ માંગવાની વાત કરી.

આ સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી જે.પી. નડ્ડાએ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

પેપર લીક મામલો અને વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી હવે રાજકીય મુદ્દો બની ગયો છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો સરકાર પર દબાણ બનાવી રહ્યા છે, જ્યારે આગામી દિવસોમાં સંસદમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા થવાની સંભાવના છે.

Related posts

કેરળમાં હવે ૫૦૦૦થી વધારેનું પેટ્રોલ નહીં મળે

Police-Story

ટ્રેનમાં રિઝર્વેશન મળ્યું નહીં હોય તો પણ હવે મળી શકે છે કન્ફર્મ ટિકિટ

Police-Story

દિલ્હી-પંજાબ સહિત ૪ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક

Police-Story