CrimeGujarat

આણંદના આંકલાવમાં પોલીસ મથકની અંદર જ લાંચ લેતા ઝડપાયા PI વનાર

Spread the love

ACની કરી હતી માંગણી, ના પાડતા ૪૦,૦૦૦ માંગ્યા

કંપનીના માલિકે એસીબી કચેરીમાં જાણ કરતા પોલીસ મથકમાં જ છટકું ગોઠવીને આ લાંચિયા પીઆઈને એસીબીએ ઝડપી લીધા

(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ, તા.૨૩ ઓક્ટોબર ૨૦૨૬ — આણંદની એસીબીએ ગુરુવારે સાંજે આંકલાવ પોલીસ મથકમાં લાંચ માટે એક છટકું ગોઠવી ૪૦ હજાર રૂપિયાની લાંચ લેતા પીઆઈ રાજદીપસિંહ બી. વનારને રંગેહાથે ઝડપી પાડતાં પોલીસ બેડામાં હડકંપ જવા પામ્યો છે. એક કેમિકલ ફેક્ટરી પ્રદૂષણ છોડતી હતી અને નજીકમાં જ બાળકોની આંગણવાડી હતી જેના કારણે ચિંતા વધી હતી ત્યારે લોકોએ આ કેમિકલ ફેક્ટરી અંગે પીઆઈ રાજદીપસિંહ વનારને ફરિયાદ કરતા ઉલ્ટું તેમણે તે કંપનીના માલિક પાસે આ મામલાની પતાવટ માટે એસીની માંગણી હતી, એસી આપવાની ના પાડતા તેમણે ૪૦૦૦૦ રૂપિયા રોકડા માંગ્યા હતા. જો કે કંપનીના માલિકે એસીબી કચેરીમાં જાણ કરતા પોલીસ મથકમાં જ છટકું ગોઠવીને આ લાંચિયા પીઆઈને એસીબીએ પકડ્યા હતા.

આણંદના આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામના રાજનગરમાં આવેલી જે. જે. કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા કેમીકલયુક્ત ધુમાડા અને પ્રદૂષણના કારણે આસપાસના ખેતીના પાકોને નુકશાન થતું હતું અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ચિંતાની વાત એ હતી કે આ ફેક્ટરીની નજીક આંગણવાડી હોવાને કારણે નાના બાળકોના સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યા ઉભી થઈ રહી હતી.

થોડા સમય પૂર્વે ફેક્ટરીમાં આવેલી ઓઈલ ટેન્ક લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જેને લઈને ગ્રામજનો ભેગા થયા હતા અને ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. કેટલીક સંસ્થાઓએ પણ ગામની મુલાકાત લઈને આ ફેક્ટરી બંધ થાય તે માટેની રજૂઆતોનો દોર હાથ ધર્યો હતો. સમગ્ર મામલો પ્રદુષણ નિયંત્રણ બોર્ડી સાથે સંકળાયેલો હોવા છતાં પણ આંકલાવના પીઆઈ રાજદિપસિંહ ભગવતસિંહ વનાર દ્વારા ફેક્ટરીના સંચાલકને પોલીસ મથકે બોલાવીને ધમકાવી ફેક્ટરી પ્રદૂષણ ફેલાવે છે તેમ કહીને ફેક્ટરી બંધ કરાવી દેવાની ધમકી આપીને દોઢ ટન એસીની માંગણી કરી હતી. જો કે ફરિયાદીએ આપવાની ના પાડતા રૂપિયા ૪૦૦૦૦ રોકડા લાંચ આપી દેવાની માંગણી કરી હતી

ફેક્ટરીના માલિકે આણંદ એસીબી કચેરીમાં લાંચની ફરિયાદ નોંધાવતા એસીબી પી.આઈ આર એન વિરાણીએ ગુરુવારે સાંજના સુમારે આંકલાવ પોલીસ મથકમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં પીઆઇ રાજદીપસિંહ વનાર રૂ.૪૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમને જોતા જ રાજદીપસિંહ વનારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એસીબીની ટીમ સાથે ઝપાઝપી કરી હતી પરંતુ એસીબીની ટીમે પી.આઈ નો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

એસીબી પોલીસે લાંચ લેતા ઝડપાયેલા પીઆઇ રાજદિપસિંહ વનારની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસને સોંપવામાં આવતા એસીબી ની ટીમ આણંદ ખાતે દોડી આવી હતી અને ત્યારબાદ ટીમે આંકલાવ ખાતે રાજદીપસિંહ વનારના નિવાસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રિના ૧૧ વાગ્યા બાદ એસીબી પોલીસે પીઆઇ રાજદિપસિંહના નિવાસ્થાને ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી જવા પામી હતી.

Related posts

અમદાવાદ કાલુપુર લૂંટ કેસમાં બે રીઢા ગુનેગારો ઝબ્બે

Police-Story

BRTS રૂટમાં વાહન હંકારતા પહેલા સો વાર વિચારજો: AMC અને અમદાવાદ ટ્રાફિક પોલીસની સંયુક્ત લાલ આંખ, ₹૫૦૦ ના મેમોની તૈયારી

Police-Story

અમદાવાદ RTOમાં લાયસન્સ કઢાવવા AI ટ્રેકમાં ટેસ્ટ ફરજીયાત

Police-Story