29 C
Ahmedabad
May 11, 2026
National

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય

રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત

આ સમગ્ર વિવાદ રાહુલ ગાંધી દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પક્ષના કાર્યકરોને આપેલા એક સંબોધનથી શરૂ થયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અલ્લાહાબાદ, તા.૨ મે ૨૦૨૬ — અલ્લાહાબાદ હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની અરજી ફગાવી દેતા લોકશાહીના મૂલ્યો અને અભિવ્યક્તિની આઝાદી પર વિશેષ ભાર મૂક્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંસદીય લોકશાહીમાં સરકારની નીતિઓ કે કાર્યોની ટીકા કરવી એ માત્ર નાગરિકનો અધિકાર નથી, પરંતુ લોકશાહીને જીવંત રાખવા માટે અનિવાર્ય છે.

અદાલતના મતે, સરકાર સાથે વૈચારિક મતભેદ ધરાવવો કે તેની ટીકા કરવી એ કોઈ પણ રીતે ગુનો ગણી શકાય નહીં. જ્યારે કોઈ લોકપ્રતિનિધિ કોઈ ચોક્કસ વિચારધારા કે નીતિ સામે લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, ત્યારે તેને દેશ વિરુદ્ધ બળવો ભડકાવવા સાથે જોડી શકાય નહીં. જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણે નોંધ્યું હતું કે લોકશાહીની પ્રગતિ જ વિચારોના મુક્ત આદાન-પ્રદાન પર નિર્ભર છે, અને અભિવ્યક્તિની આઝાદી પર બિનજરૂરી પ્રતિબંધો લાદવા એ લોકશાહીના મૂળભૂત અધિકારોનું હનન છે.

આ સમગ્ર વિવાદ રાહુલ ગાંધી દ્વારા ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પક્ષના કાર્યકરોને આપેલા એક સંબોધનથી શરૂ થયો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર ભાજપ કે RSS સામે નથી લડી રહી, કારણ કે આ સંસ્થાઓએ દેશની દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે, તેથી હવે લડાઈ આખા ઇન્ડિયન સ્ટેટ(ભારતીય રાજ્યતંત્ર) સામે છે. હિન્દુ શક્તિ દળના સિમરન ગુપ્તાએ આ નિવેદનને દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે જોખમી ગણાવીને ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ ૧૫૨ હેઠળ FIR નોંધવાની માંગ કરી હતી.

જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણે અરજી ફગાવતા જણાવ્યું હતું કે લોકશાહીની પ્રગતિ વિચારોના મુક્ત આદાનપ્રદાન પર નિર્ભર છે. રાહુલ ગાંધી એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે અને જનતાનો અવાજ રજૂ કરવાની તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી જે સાબિત કરે કે રાહુલ ગાંધી દેશ તોડવાની કે સશસ્ત્ર વિદ્રોહની વાત કરી રહ્યા હતા. તેમનું નિવેદન સ્પષ્ટપણે રાજકીય વિરોધના સંદર્ભમાં હતું.

હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદીને બંધારણીય રક્ષણ પ્રાપ્ત છે અને તેના પર ત્યારે જ પ્રતિબંધ લગાવી શકાય જ્યારે કોઈ વાજબી કારણ હોય. અદાલતોએ કોઈપણ વ્યક્તિના મૌલિક અધિકારો છીનવાઈ ન જાય તે માટે અત્યંત સતર્ક રહેવું જોઈએ. આ ચુકાદા સાથે કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વૈચારિક વિરોધને દેશદ્રોહ કે બળવા તરીકે ખપાવી શકાય નહીં.

Related posts

The bond market is even bigger than the stock market

Police-Story

પશ્ચિમ બંગાળમાં ૧૫ બૂથ પર આજે ફરી મતદાન થશે

Police-Story

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ

Police-Story

Leave a Comment