International

અમેરિકન કોર્ટે નિખિલ ગુપ્તાને ફટકારી ૧૯ વર્ષ અને ૭ મહિનાની જેલ

Spread the love

પન્નુ હત્યા કાવતરામાં નિખિલ ગુપ્તાને સજા

અમેરિકન કોર્ટમાં ત્રણેય આરોપો સ્વીકાર્યા, સજા પહેલાં પત્ર લખી વ્યક્ત કર્યો અફસોસ, પન્નુએ પણ કોર્ટમાં રજૂ કર્યો પોતાનો પક્ષ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ નવેમ્બર ૨૦૨૬ –– ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના કેસમાં અમેરિકાની એક અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ૧૯ વર્ષ અને ૭ મહિનાની જેલની સજા ફટકારી છે. ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં શુક્રવારે આશરે ૮૦ મિનિટ સુધી ચાલેલી સુનાવણી બાદ જજ વિક્ટર મારેરોએ આ મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો. ૫૫ વર્ષીય નિખિલ ગુપ્તાએ આ વર્ષની શરૂઆતમાં જ પોતાના પર લાગેલા ત્રણ ગંભીર આરોપોનો સ્વીકાર કર્યો હતો. જેમાં હત્યાની સોપારી આપવી, હત્યાનું કાવતરું રચવું અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે. આ તમામ આરોપો વર્ષ ૨૦૨૩માં ન્યૂયોર્કમાં પન્નુની હત્યા કરવાની યોજના સાથે જોડાયેલા હતા.ભારત સમાચારઅમેરિકન તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૩માં નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યાની યોજનાને અંજામ આપવા માટે કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં સહ-આરોપી વિકાસ યાદવના કહેવાથી ગુપ્તાએ શૂટરની વ્યવસ્થા કરવા માટે એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો. જોકે, જે વ્યક્તિને ગુપ્તા શૂટરની વ્યવસ્થા કરનાર ગુનેગાર સમજી રહ્યા હતા, તે હકિકતમાં અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનનો ગુપ્ત બાતમીદાર નીકળ્યો હતો. હત્યા માટે ૧ લાખ ડોલર નક્કી થયા હતા અને ૯ જૂન ૨૦૨૩ના રોજ એડવાન્સ પેટે અંડરકવર અધિકારીને ૧૫ હજાર ડોલર રોકડા આપવામાં આવ્યા હતા. એજન્સીઓએ સમગ્ર વાતચીત અને નાણાકીય લેવડદેવડ પર નજર રાખીને ગુપ્તાની ધરપકડ કરી હતી.કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવે તે પહેલાં નિખિલ ગુપ્તાએ અદાલતને એક અંગત પત્ર સોંપીને પોતાના કૃત્ય બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, “કાશ હું સમયમાં પાછળ જઈને ૨૦૨૩માં મારાથી થયેલી ભૂલો સુધારી શકતો.” ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૨૦૨૩ની શરૂઆતમાં તેઓ પોતાના પરિવારથી દૂર થઈ ગયા હતા અને દરરોજ રાત્રે વધુ પડતો દારૂ પીવાની લતે ચઢ્યા હતા. તેમણે પોતાના પરિવાર અને આસપાસના લોકોને પહોંચેલી પીડા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો, તેમજ આ ઘટનામાં કોઈનો જીવ ગયો નથી કે કોઈ ઘાયલ થયું નથી તે બદલ ઈશ્વરનો આભાર માન્યો હતો.સુનાવણી દરમિયાન ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા અને ભારતમાં આતંકી જાહેર થયેલા ગુરપતવંત સિંહ પન્નુએ પણ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અમેરિકન અને કેનેડિયન નાગરિકત્વ ધરાવતા પન્નુએ દાવો કર્યો હતો કે હત્યાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ જીવના જોખમને કારણે તેઓ ૧,૨૦૦થી વધુ દિવસોથી પોતાની નિયમિત કાયદાકીય પ્રેક્ટિસ કરી શક્યા નથી. સુનાવણી પૂર્વે કોર્ટ પરિસરની બહાર પન્નુના કેટલાક સમર્થકોએ ગુપ્તા અને અન્ય આરોપીઓના પૂતળા સાથે પ્રદર્શન પણ કર્યું હતું. નોંધનીય છે કે અમેરિકન ફરિયાદીઓના આરોપોને પગલે આ મામલે ભારત અને અમેરિકાના સંબંધો અંગે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી હતી.

Related posts

ઈરાન બોર્ડર નજીક અમેરિકાનું ઘાતક હેલિકોપ્ટર ક્રેશ થતાં ફફડાટ

Police-Story

બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ

Police-Story

ભારતને ‘નર્ક’ ગણાવી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ગયા, બાદમાં મહાન દેશ કહી પ્રશંસા કરી

Police-Story