બેંકિંગ ક્ષેત્રમાં સાઈબર હુમલાથી ખળભળાટ
થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સની સિસ્ટમને ટાર્ગેટ કરીને હેકર્સે નામ, ઈમેઈલ, મોબાઈલ નંબર, સરનામું સહિતની વિગતો લફડાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૧ નવેમ્બર ૨૦૨૬ — જેપી મોર્ગન ચેઝ ઈન્વેસ્ટમેન્ટ બેકિંગ કંપનીને ટાર્ગેટ કરીને સાઈબર એટેક થયો છે. કંપનીના કહેવા પ્રમાણે થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સને નિશાન બનાવીને થયેલા હુમલામાં ઘણાં ગ્રાહકોનો ડેટા લીક થઈ ગયો છે. જોકે, બેકિંગ સર્વિસમાં તેની કોઈ અસર થઈ ન હોવાની સ્પષ્ટતા કંપનીએ કરી હતી. કેટલા ગ્રાહકોનો ડેટા લીક થયો હશે તે બાબતે હજુ સુધી જાણકારી જાહેર કરવામાં આવી ન હતી.જેપી મોર્ગનને સર્વિસ આપતી થર્ડ પાર્ટી કંપનીઓને નિશાન બનાવીને સાઈબર એટેક થયો હતો. કંપનીના કહેવા પ્રમાણે આ થર્ડ પાર્ટી કંપનીઓ બેંકને જુદી જુદી સર્વિસ આપે છે. શરૂઆતની તપાસમાં જણાયું કે હેકર્સે આ કંપનીઓમાં જે ગ્રાહકોનો ડેટા હતો એને તફડાવ્યો હોવાની શક્યતા છે.આ હેકિંગમાં ગ્રાહકોના નામ, ઈમેલ એડ્રેસ, સરનામું સહિતની વિગતો ચોરાઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. બેંકે દ્વારા એવી જાણકારી આપવામાં આવી નથી કે કેટલા ગ્રાહકોનો ડેટા ચોરી થયો અને એમાં બીજી કઈ વિગતો ચોરાઈ છે. એકાઉન્ટ નંબર સહિતની જાણકારી લીક થઈ છે કે નહીં તેની જાણકારી મળી શકી ન હતી. બેંકના સત્તાવાર નિવેદનમાં કહેવાયું કે જે ગ્રાહકોનો ડેટા ચોરાયો એવી જાણકારી મળશે કે તુરંત જ એ ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવશે. લોકોની બેંકમાં જે રકમ હતી તેને અસર થઈ છે કે નહીં તે બાબતમાં બેંકે કહ્યું હતું કે બેકિંગ સર્વિસ એ રીતે પ્રભાવિત થઈ નથી. દરમિયાન વ્હાઈટ હાઉસના સાઈબર સિક્યોરિટી વડા શોન કેર્નક્રોસને બરતરફ કરાયા હતા. એનએસએ નેટવર્ક ઠપ થયા બાદ વ્હાઈટ હાઉસમાંથી તેને પાણીચું પકડાવી દેવાયું હતું. એઆઈને લગતો ખતરો વધ્યો તે બાબતે વ્હાઈટ હાઉસે ચિંતા વ્યક્ત કરી હતી. ફ્લાઈટ્સથી લઈને બેંકિંગ સર્વિસ પ્રભાવિત થઈ હતી. તેના કારણે ટ્રમ્પ સરકારની સાઈબર સુરક્ષા વિભાગની ટીકા થતી હતી. હવે વ્હાઈટ હાઉસે નવા સાઈબર સિક્યોરિટીના વડા તરીકે કિર્સ્ટન ડેવિસની નિમણૂક કરી છે.