34.2 C
Ahmedabad
October 2, 2026
National

UP માં વક્ફ મિલકતો પર કડક કાર્યવાહી, ૩૧ હજારથી વધુ નોંધણી રદ

Spread the love

નોંધણીની મુદ્દત ૫ જૂને થઇ રહી છે પુરી

વક્ફ ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ સુન્ની અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની અપીલ બાદ નોંધણી માટેની મુદત વધારી આપી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ,તા.૨૩ મે ૨૦૨૬ — ઉત્તર પ્રદેશમાં વક્ફ મિલકતોના ડિજિટાઇઝેશન અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે હાલમાં એક વ્યાપક સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત દસ્તાવેજોની ચકાસણી દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ અને વિસંગતતાઓ સામે આવી છે, જેના કારણે અત્યાર સુધીમાં ૩૧૦૦૦ થી વધુ વક્ફ મિલકતોની નોંધણી રદ કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારના ’ઉમીદ’ પોર્ટલ પર ચાલી રહેલી આ પ્રક્રિયામાં લીધેલા આકરા પગલાંથી અસંખ્ય જૂના કબ્રસ્તાનો અને દરગાહો (મજારો) ના અસ્તિત્વ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ગયા વર્ષે ૫ જૂને ’ઉમીદ’ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. વક્ફ ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ સુન્ની અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની અપીલ બાદ નોંધણી માટેની મુદત વધારી આપી હતી, જેની અંતિમ તારીખ આગામી ૫ જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે.

નોંધણી રદ થવા પાછળના મુખ્ય કારણો
તપાસ સમિતિ અને ચકાસણી પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજોમાં નીચે મુજબની ગંભીર ક્ષતિઓ મળી આવી છેઃ
રેકોર્ડમાં તફાવતઃ વક્ફ બોર્ડના ચોપડે નોંધાયેલા ’ખાસરા’ (સર્વે પ્લોટ) નંબર અને સરકારી મહેસૂલ રેકોડ ના નંબરોમાં મોટો વિરોધાભાસ છે.જમીન વિસ્તારમાં અસમાનતાઃ નોંધાયેલા વાસ્તવિક વિસ્તાર (રકબા) અને દસ્તાવેજી વિસ્તારમાં મોટો તફાવત જોવા મળ્યો છે.

બેવડી નોંધણીઃ કેટલીક મિલકતો એક જ સમયે શિયા અને સુન્ની બંને વક્ફ બોર્ડમાં નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે.
ટેકનિકલ અને ઐતિહાસિક ભૂલોઃ જૂના દસ્તાવેજોમાં પુષ્કળ કાનૂની અને ટેકનિકલ અચોક્કસતાઓ જોવા મળી છે.
કયા જિલ્લાઓમાં સૌથી વધુ નોંધણી રદ થઈ?

રાજ્યના જૌનપુર જિલ્લામાં સૌથી વધુ વક્ફ મિલકતો રદ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લાઓની યાદી નીચે મુજબ છેઃ
જિલ્લો મિલકત
જૌનપુરઃ ૧૯૩૮ મિલકતો
બારાબંકી ૧૫૨૧ મિલકતો
મુઝફ્ફરનગર ૧૫૧૦ મિલકતો
અલીગઢ ૧૦૬૧ મિલકતો
બસ્તી ૧૦૦૦ મિલકતો
ઉન્નાવ ૯૦૮ મિલકતો
સીતાપુર ૯૦૬ મિલકતો
હરદોઈ ૮૯૧ મિલકતો
આઝમગઢ ૮૮૬ મિલકતો
લખનૌ ૮૭૫ મિલકતો

નિયમો અનુસાર, વક્ફ ટ્રિબ્યુનલે કાયદાકીય રીતે માન્ય હોય તેટલું મહત્તમ સમયગાળાનું લંબાણ અગાઉથી જ આપી દીધું છે, તેથી હવે સામૂહિક રીતે મુદત વધવાની શક્યતા નહિવત છે.

વક્ફ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, મિલકતના રક્ષકો એટલે કે મુતાવલ્લીઓ પાસે હજુ પણ ૫ જૂન સુધીનો સમય છે. તેઓ સાચા અને આધારભૂત સરકારી દસ્તાવેજો સાથે પોર્ટલ પર વિગતો ફરીથી અપલોડ કરી શકે છે. જો આ સમયમર્યાદામાં વિસંગતતાઓ સુધારવામાં નહીં આવે, તો આ તમામ મિલકતોને પોર્ટલમાંથી કાયમી ધોરણે હટાવી દેવામાં આવશે.

જો સમય વીતી જશે તો મુતાવલ્લીઓએ વ્યક્તિગત રીતે કોર્ટ અથવા ટ્રિબ્યુનલના ધક્કા ખાવા પડશે, જે ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે.

નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશમાં યુપી સુન્ની વક્ફ બોર્ડ હેઠળ ૧૨૬૦૦૦ થી વધુ સંસ્થાઓ આવે છે. વક્ફ (સુધારા) અધિનિયમ, ૨૦૨૫ અંતર્ગત વક્ફ મિલકતોની ડિજિટલ નોંધણી કરાવવી હવે કાનૂની રીતે ફરજિયાત બની ગઈ છે.

Related posts

ફ્લેક્સ-ફ્યુઅલ વ્હિકલ્સ વાપરનારને લિટરે ૨૦ રૂપિયાનો ફાયદો થશે

Police-Story

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે મમતા બેનરજીને આપી સાંત્વના

Police-Story

બ્રહ્મોસના પ્રહારથી આજે પણ ધ્રૂજે છે પાકિસ્તાન

Police-Story

Leave a Comment