કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહારો કર્યા
સરકાર અસામાજિક તત્ત્વોના શરણેઃ મનીષ દોશી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર, તા.૧૯ ઓગસ્ટ ૨૦૨૬ — ભાવનગરના ખરકડી વિસ્તારમાં નકલી દારૂના સેવનથી ચાર લોકોના મોતના મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ઘટનાને પગલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર અને તંત્રની કામગીરી સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે.
તેમણે દારૂબંધીના અમલ અને રાજ્યમાં વ્યાપક બનેલા નકલી દારૂના નેટવર્ક અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
મનીષ દોશીએ જણાવ્યું કે, જ્યારે અન્ય જિલ્લાઓમાં દારૂ પકડાય છે, ત્યારે વારંવાર પાડોશી રાજ્યમાંથી દારૂ આવ્યો હોવાનું રટણ કરવામાં આવે છે. જોવા જેવું એ છે કે, ભાવનગરને તો કોઈ રાજ્યની સરહદ પણ અડતી નથી, ત્યારે અહીં દારૂ ક્યાંથી આવે છે; તે મોટો પ્રશ્ન છે. તેમણે અગાઉ અમદાવાદ, બોટાદ અને ખેડા જેવા જિલ્લાઓમાં બનેલી સમાન ઘટનાઓનો ઉલ્લેખ કરીને સરકારની નિષ્ફળતા પર ભાર મૂક્યો.
તેમણે આક્ષેપ કર્યો કે, રાજ્યમાં સરકાર અસામાજિક તત્ત્વોના શરણે હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. મનીષ દોશીએ ઝેરી અને નકલી દારૂ બનાવતી ફેક્ટરીઓ સામે અસરકારક કાર્યવાહી કરવાની વાત કરી છે.
વધુમાં, આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે. ગુજરાતમાં બોટાદમાં ઝેરી દારૂના કારણે થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરતાં તેમણે “હપ્તા રાજ” ચાલતું હોવાનો પણ આક્ષેપ કર્યો. આ ઘટના બાદ સરકાર પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.