33.2 C
Ahmedabad
October 2, 2026
Gujarat

ગાંધીનગરના ૨૨ ગામોમાં શુદ્ધ પાણીની સુવિધા વધશે

Spread the love

મનપા લગાવશે ઓટો ડોઝિંગ સિસ્ટમ

પાણીની ટાંકીઓમાં ઓટોમેટિક ક્લોરિનેશનથી જંતુમુક્ત પાણી મળશે; ઓનલાઈન મોનિટરિંગથી ગુણવત્તા પર રહેશે સતત નજર

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૭ જુલાઈ ૨૦૨૬ — ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેર સાથે જોડાયેલા ૨૨ ગામોના રહેવાસીઓને શુદ્ધ અને જંતુમુક્ત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા દ્વારા આ ગામોની મુખ્ય પાણીની ટાંકીઓમાં ‘ઓટો ડોઝિંગ સિસ્ટમ’ સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા પાણીમાં ક્લોરિનની યોગ્ય માત્રા આપમેળે જાળવી રાખવામાં આવશે અને પાણીની ગુણવત્તાનું ઓનલાઈન મોનિટરિંગ પણ કરવામાં આવશે.પાણીજન્ય રોગચાળો અટકાવવા અને લોકોને વધુ સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. હાલમાં અનેક સ્થળોએ ક્લોરિનેશનની પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવે છે, જેના કારણે ક્યારેક ક્લોરિનની માત્રામાં ફેરફાર થવાની શક્યતા રહે છે. નવી ઓટો ડોઝિંગ સિસ્ટમથી આ સમસ્યાનો ઉકેલ આવશે અને પાણીમાં ચોક્કસ પ્રમાણમાં જ ક્લોરિનનું મિશ્રણ થશે.

આ સિસ્ટમ પાણીના જથ્થા અને જરૂરિયાત મુજબ આપમેળે ક્લોરિનની માત્રા નિયંત્રિત કરશે. જેના કારણે પાણીની શુદ્ધતા જળવાઈ રહેશે અને નાગરિકોને નિયમિત રીતે ગુણવત્તાયુક્ત પાણીનો પુરવઠો મળી શકશે.

મનપા દ્વારા આ સમગ્ર સિસ્ટમ માટે ઓનલાઈન ડેશબોર્ડની સુવિધા પણ ઉભી કરવામાં આવશે. કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ અને ટેક્નિકલ ટીમ તમામ પાણીની ટાંકીઓની કામગીરી પર નજર રાખી શકશે. કઈ ટાંકીમાં કેટલું ક્લોરિનેશન થઈ રહ્યું છે, પાણીની ગુણવત્તા કેવી છે અને કોઈ ખામી સર્જાઈ છે કે નહીં તેની માહિતી તાત્કાલિક મળી શકશે.

ઓનલાઈન મોનિટરિંગના કારણે કોઈપણ ટેક્નિકલ સમસ્યા ઊભી થાય તો તેનો ઝડપથી ઉકેલ લાવી શકાશે. આ વ્યવસ્થા પાણી પુરવઠાની કામગીરીને વધુ અસરકારક અને પારદર્શક બનાવશે.

ગાંધીનગર મનપાના આ નિર્ણયથી ૨૨ ગામોના હજારો રહેવાસીઓને સીધો લાભ મળશે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા વધશે અને પાણીજન્ય બીમારીઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. મનપાનું આ પગલું ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેર જેવી સુવિધાઓ પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Related posts

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ૨૯૧ લિટર દેશી દારૂ ઝડપાયો

Police-Story

ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત

Police-Story

ગરીબ માણસને લાખોનું બિલ થમાવી દેતા પગ તળેથી જમીન સરકી ગઈ

Police-Story