મેઘરજના ઝરડા ગામે
હળદર, આદુ, પીંડાળુ અને રીંગણની આડમાં ગાંજાની ખેતી કરાતી હતી : પોલીસે આરોપીની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોડાસા, તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૬ — મેઘરજ તાલુકાના ઝરડા ગામે હળદર, આદુ, પીંડાળુ અને રીંગણના વાવેતરની આડમાં કરવામાં આવતી ગાંજાની ખેતીનો અરવલ્લી જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગે પર્દાફાશ કર્યો છે. પોલીસે ખેતરમાંથી ગાંજાના ૩૬૦ લીલા છોડ, જેનું કુલ વજન ૫૦.૫૨૦ કિલોગ્રામ છે, કબજે કર્યા હતા. પોલીસે ગાંજાના છોડ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૨૫,૨૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક, મોડાસાના સીધા સુપરવિઝન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગના ઇન્ચાર્જ પીઆઈ જી.આર. શર્મા તથા તેમની ટીમને મળેલી બાતમીના આધારે મેઘરજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝરડા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સરકારી પંચો, એફ.એસ.એલ. અધિકારી અને વીડિઓગ્રાફરની હાજરીમાં આરોપીના કબજા-ભોગવટાવાળા ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ખેતરમાં હળદર, આદુ, પીંડાળુ અને રીંગણના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સ્થળ પરથી લીલાશ પડતાં પાંદડાં, દાંડી, ફૂલ અને બીજ ધરાવતા ગાંજાના ૩૬૦ છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા પરીક્ષણ કરતાં છોડ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના હોવાનું જણાયું હતું.પોલીસે આ મામલે ઝરડા ગામના રાજેશભાઈ મેઘાભાઈ મેણાત સામે કાર્યવાહી કરી છે. પોલીસે રૂ. ૨૫,૨૬,૦૦૦ની કિંમતના ગાંજાના છોડ ઉપરાંત રૂ. ૫૦૦ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨૫,૨૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી આગળ ધપાવી છે.