28.7 C
Ahmedabad
October 2, 2026
Gujarat

ગુજરાતના શિક્ષકો માટે સેવા સમાધાન પોર્ટલની શરૂઆત

Spread the love

૩૧ ઓગસ્ટ સુધી અરજીઓ સ્વીકારાશે

પેન્શન, પગાર, રજા સહિત ૮ સેવાઓ હવે ઓનલાઈન, ૩ લાખથી વધુ શિક્ષકોને મળશે ઝડપી નિરાકરણ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૬ ઓગસ્ટ ૨૦૨૬ — ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા ૩ લાખથી વધુ શિક્ષકો માટે ‘સેવા સમાધાન પોર્ટલ’ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોનું સમયબદ્ધ અને પારદર્શક રીતે ઓનલાઈન નિરાકરણ કરવામાં આવશે. પોર્ટલના અમલથી શિક્ષકોને જિલ્લા અને તાલુકા કચેરીઓના વારંવાર ચક્કર લગાવવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.

આ પોર્ટલ મારફતે શિક્ષકોને કુલ આઠ મહત્વપૂર્ણ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં ઉચ્ચતર પગાર ધોરણની મંજૂરી, પ્રવાસ ભથ્થું, એરિયર્સ, ફિક્સ પગારમાંથી નિયમિત સેવામાં સમાવેશ, જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) સંબંધિત કામગીરી, કર્મચારી ભવિષ્ય નિધિ સંબંધિત પ્રશ્નો, વિવિધ પ્રકારની રજાઓની મંજૂરી તેમજ પેન્શન અને નિવૃત્તિ લાભો સંબંધિત અરજીઓનો સમાવેશ થાય છે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં ૫ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ તબક્કામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ લાંબા સમયથી પડતર રહેલા સેવાકીય પ્રશ્નોને પ્રાથમિકતા આપવામાં આવશે. શિક્ષકો સરળ પ્રક્રિયા દ્વારા થોડા જ મિનિટોમાં અરજી નોંધાવી શકશે તેમજ અરજીની સ્થિતિનું રિયલ-ટાઈમ ટ્રેકિંગ અને સૂચનાઓ પણ મેળવી શકશે. જો કોઈ નિર્ણયથી અરજદાર અસંતોષ અનુભવે તો પુનઃ સમીક્ષા માટે પણ અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે.પોર્ટલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને અન્ય અધિકારીઓ પાસે પડતર રહેલા કેસોનું રાજ્ય કક્ષાએથી સીધું મોનિટરિંગ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દર મહિને જિલ્લાવાર સમીક્ષા બેઠક યોજશે અને કામગીરીના આધારે અધિકારીઓનું વાર્ષિક મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી ફરિયાદોના ઝડપી નિકાલ અને જવાબદારીમાં વધારો થવાની અપેક્ષા છે.

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સમગ્ર શિક્ષા અભિયાનના પ્રતિનિધિઓ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ તેમજ અન્ય વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.

શિક્ષણ વિભાગનું માનવું છે કે ‘સેવા સમાધાન પોર્ટલ’ શિક્ષકોના લાંબા સમયથી બાકી રહેલા વહીવટી પ્રશ્નોના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે અસરકારક સાબિત થશે અને રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાના વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Related posts

રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો

Police-Story

ગુજરાત પોલીસમાં એકસાથે ૪૧૪ કર્મચારીઓની આંતરજિલ્લા બદલી

Police-Story

વકીલે સોપારી આપી છરીના ૬ ઘા ઝીંકાવ્યા, ચાર આરોપીની ધરપકડ

Police-Story