33 C
Ahmedabad
October 2, 2026
International

પેટ્રોલ-ડીઝલની ચિંતા ખતમ, હવે હોર્મુઝ નહીં અન્ય રસ્તાથી આવશે તેલ

Spread the love

૨ દેશોએ વર્ષોથી બંધ પડેલો જૂનો રસ્તો ખોલ્યો

ઈરાક અને સીરિયાએ રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને તેલ સપ્લાય માટે જમીન માર્ગ રજૂ કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૨ એપ્રિલ ૨૦૨૬ — ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો જળ માર્ગ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બની ગયો છે. આવી સ્થિતિમાં ઈરાક અને સીરિયાએ એક મોટું પગલું ભર્યું છે, જે વૈશ્વિક ઓઈલ રાજકારણની દિશા બદલી શકે છે. વર્ષો સુધી બંધ રહેલી રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગને ફરીથી ખોલીને આ બંને દેશોએ દુનિયા સામે તેલ સપ્લાય માટે એક સુરક્ષિત જમીન માર્ગ રજૂ કર્યો છે. એક તરફ ઈરાને હોર્મુઝમાં કડક નિયંત્રણ લગાવીને તેલ ટેન્કરોની અવરજવર પર અંકુશ મૂક્યો છે, તો બીજી તરફ ઈરાક-સીરિયાનો આ નવો ઓઈલ ગેટવે અમેરિકા અને ઇઝરાયેલ સામેની પડકારજનક પરિસ્થિતિમાં નવી લાઈફલાઈન બની શકે છે.

હોર્મુઝ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ભારે તણાવ છે અને આખી દુનિયા તેની અસર અનુભવી રહી છે. તેલની અછત અને વધતી કિંમતો વચ્ચે હોર્મુઝનો મુદ્દો હલ થઈ રહ્યો નથી. આવી સ્થિતિમાં, ઈરાક અને સીરિયાનો આ નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કહેવાય છે કે આ નવો રસ્તો હવે ઓઈલ સપ્લાય માટે લાઈફલાઈન સાબિત થશે. રાબિયા-યરૂબિયા બોર્ડર ક્રોસિંગ ૨૦૧૧માં સીરિયા ગૃહયુદ્ધ પછીથી બંધ હતું અને પછી ISISનો તેના પર કબજો હતો. જોકે, હવે તેને ફરીથી ખોલવું મોટી રાહત માનવામાં આવે છે.

કેવી રીતે મળશે મદદ? – જમીનથી વેપારઃ આ રસ્તો દરિયાની બદલે જમીન મારફતે તેલ અને અન્ય સામાન મોકલવાની સુવિધા આપે છે. જેના કારણે હોર્મુઝ જેવા જોખમી દરિયાઈ રસ્તાઓ પર આધાર ઘટશે. સુરક્ષિત વિકલ્પઃ સીરિયાના અધિકારીઓનું માનવું છે કે આ માર્ગ યુદ્ધ દરમિયાન પણ ઓઈલની નિકાસ માટે સુરક્ષિત વિકલ્પ બની શકે છે. શું આ રસ્તો બનશે હોર્મુઝનો વિકલ્પ? – નિષ્ણાતોના મતે, જો લાંબા સમય સુધી હોર્મુઝનો રસ્તો બંધ રહે છે, તો ઈરાક અને સીરિયાનો આ નવો માર્ગ આ દેશોની કિસ્મત બદલી શકે છે અને એટલું જ નહીં, પણ તે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલની અછત અટકાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ઈરાકના પ્રાંતીય પરિષદની સભ્ય નાદિયા અલ-જુબૂરી અનુસાર, આ ક્રોસિંગ વેપાર અને તેલ પરિવહન માટે એક મહાન પ્રવેશદ્વાર બનશે.

અમેરિકા દ્વારા પીડિત બે દેશો બન્યા હીરો – અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે, ઓઈલ માટે નવો રસ્તો શોધનાર આ બંને દેશો અમેરિકાના પીડિત છે. ઈરાકના સંદર્ભમાં પીડિત હોવાની વાત ૨૦૦૩ના અમેરિકાના વિશાળ હુમલા સાથે જોડાય છે. વર્ષો સુધી ચાલેલા આર્થિક પ્રતિબંધો અને બોમ્બમારાના કારણે ત્યાંની સામાન્ય જનતાએ ગરીબી અને દવાઓની અછત જેવી સમસ્યાઓ ભોગવી છે. આ ઉપરાંત સીરિયામાં અમેરિકા એ સીધી રીતે મોટી સેના મોકલેલી નથી, પણ રાજકીય અને આર્થિક સ્તરે ઘણો દખલ આપ્યો છે. હોર્મુઝનો રસ્તો બંધ રહેશે તો સર્જાશે સંકટ – અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. શનિવારે રાત્રે ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડે સ્પષ્ટ કરી દીધું કે, જ્યાં સુધી અમેરિકી નૌકાદળનું ઘેરાવ દૂર નહીં થાય, ત્યાં સુધી આ રસ્તો બંધ રહેશે. ઈરાને ચેતવણી આપી છે કે, કોઈપણ જહાજની અવરજવર દુશ્મનને મદદ ગણાશે અને તેને નિશાન બનાવવામાં આવશે. જેના કારણે અનેક જહાજો ફસાઈ ગયા છે. જો આ રસ્તો આવી રીતે જ બંધ રહેશે, તો દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને પહોંચી શકે છે.

Related posts

ઈરાન યુદ્ધ પૂરું થતાં જ તાઈવાન ઉપર સંકટ

Police-Story

ભયાનક ભૂકંપ બાદ વેનેઝુએલાની જમીન ૨ ફૂટ જેટલી ખસી ગઈ

Police-Story

અમેરિકાના ટુરિસ્ટ વિઝા માટે મુંબઈ, હૈદરાબાદમાં ૯.૫ મહિનાનું વેઈટિંગ

Police-Story

Leave a Comment