જીંદ અને સોનીપતનું નામ ગૌરવથી લેવાશે : વડાપ્રધાન
આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દોડશે, જેની મુસાફરી ૯૦ કિલોમીટરની હશે : હાઇડ્રોજન ફ્યુલથી ચાલતી આ ટ્રેન ખાસ માનવામાં આવી રહી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંદીગઢ, તા.૧૭ જુલાઈ ૨૦૨૬ — વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પહેલી હાઈડ્રોઝન ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે. આ ટ્રેન હરિયાણાના જીંદથી સોનીપત વચ્ચે દોડશે, જેની મુસાફરી ૯૦ કિલોમીટરની હશે. હાઇડ્રોજન ફ્યુલથી ચાલતી આ ટ્રેન ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે ૧૦ કોચવાળી આ વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન છે. આ દરમિયાન પીએમ મોદીએ હરિયાણાને ૧૪૦૦ કરોડ રૂપિયાના અન્ય વિકાસકાર્યોની પણ ભેટ આપી છે. તેમણે કહ્યું કે, મારો હરિયાણા અને જીંદ સાથે જૂનો સંબંધ છે. અહીં હું સ્કૂટીથી આવતો હતો. જીંદનું ઘી, જીંદનું ઘેવર નથી બદલાયું, પરંતુ જીંદના તેવર જરૂર બદલાઈ ગયા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “ભારતની હાઇડ્રોજન ટ્રેન સૌથી શક્તિશાળી અને સૌથી ખાસ છે. જો આપણે રેલવેના ઇતિહાસ પર નજર કરીએ તો ૧૯મી સદીની રેલવે કોલસાથી ચાલતી હતી. ૨૦મી સદીમાં ટ્રેન ડીઝલ અને વીજળીથી ચાલતી હતી. હવે ૨૧મી સદીની ટ્રેન હાઇડ્રોજનથી ચાલવાની છે. ભારતે આ ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું છે. જીંદથી સોનીપત વચ્ચે ચાલનારી હાઇડ્રોજન ટ્રેનની મુસાફરી ૯૦ કિલોમીટરની હશે. પરંતુ ભવિષ્યમાં અમે તેનો વિસ્તાર કરીશું. અમે આના પર સતત રિસર્ચ કરતા રહીશું. દુનિયામાં હાઇડ્રોજન આવ્યાને હજુ ૭થી ૮ વર્ષ જ થયા છે. દુનિયાના માત્ર ચાર દેશોમાં જ આ ટ્રેન ચાલી રહી છે. પરંતુ ભારતની હાઇડ્રોજન ટ્રેન સૌથી ખાસ છે.”
વડાપ્રધાન મોદીએ કહ્યું, ૩૨૦૦ હોર્સપાવર સાથે આ સૌથી તાકાતવર ટ્રેન છે. તે તાકાતવર જ નહીં, વિશ્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન પણ છે. ભારતે પ્રથમ જ વખતમાં સીધી ૧૦ કોચવાળી ટ્રેન ચલાવીને દુનિયામાં પોતાનો ઝંડો ફરકાવી દીધો છે. હું તમને ગૌરવની એક વાત વધુ કહું. આ ટ્રેન ધુમાડા વગરની છે, આ મેક ઇન ઇન્ડિયાનું ઉદાહરણ છે. તેને ભારતના એન્જિનિયરોએ બનાવી છે અને ભારતની જ કંપનીએ બનાવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “મિડલ ઇસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સતત યુદ્ધ જેવી સ્થિતિ છે. તેની અસર ભારત પર પણ પડી રહી છે. કારણ કે અહીંથી જ દેશમાં ડીઝલ-પેટ્રોલ, ખાદ્ય અને અન્ય જરૂરી સામગ્રી આવે છે. પરંતુ ૨૦૧૪ પહેલાં આવી સ્થિતિ બની હોત તો દેશનું રેલ નેટવર્ક સંકટમાં આવી જાત. તે સમયે રેલવેનો મોટો ભાગ ડીઝલ પર જ નિર્ભર હતો. આવી સ્થિતિમાં ડીઝલનો પુરવઠો અટકે તો ટ્રેનોનું સંચાલન પણ અસરગ્રસ્ત થાય. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આ ૨૦૧૪નું ભારત નથી, આ નવું ભારત છે. આ મોદી છે જે ઘણું અગાઉનું વિચારે છે.”
ભારતમાં વીજળીકરણ ૧૯૨૫થી શરૂ થયું હતું. ત્યારથી લઈને ૨૦૧૪ સુધી ૯૦ વર્ષોમાં દેશના રેલવે નેટવર્કનો માત્ર ૩૦ ટકા જ ભાગ વીજળીકૃત થયો હતો, જ્યારે ૭૦ ટકા ભાગ ડીઝલ પર નિર્ભર હતો. આ જ ગતિએ કામ ચાલેત તો આખા રેલવે નેટવર્કને ૧૦૦ ટકા વીજળીકૃત કરવામાં ૨૦૦ વર્ષ લાગી જાત. પરંતુ છેલ્લા ૧૨ વર્ષમાં દેશની સ્થિતિ બદલાઈ છે. દેશના લગભગ ૯૯ ટકા રેલ નેટવર્કનું વીજળીકરણ કરી દેવામાં આવ્યું છે. જેનાથી ડીઝલ પરની નિર્ભરતા ઘટી છે. ડીઝલ પર સંકટ આવે તો પણ રેલવે પર અસર પડતી નથી.
જીંદના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “શક્તિપીઠ માતા જયંતીનું નામ અને આશીર્વાદ આ શહેરને મળ્યા છે. મારો તો જીંદ સાથે જૂનો સંબંધ છે. અહીં મને ઘણા જૂના પરિચિત ચહેરા દેખાઈ રહ્યા છે. ઘણા દાયકાઓ પહેલા હું સંગઠનના કામે જીંદ આવ્યો હતો. અહીંના લોકોએ મને જે પ્રેમ આપ્યો હતો, તે આજે પણ હું ભૂલ્યો નથી. મુર્રા ભેંસનું દૂધ-દહીં અને ઘી, જીંદનું દેશી બૂરા, જીંદનું ઘેવર – બધી યાદો જોડાયેલી છે. આજે જીંદ અને આખા હરિયાણાનું નામ ઇતિહાસના પાનાઓમાં નોંધાઈ ગયું છે, કારણ કે આ જ ધરતીથી ભારતને પ્રથમ હાઇડ્રોજન ટ્રેન મળી છે. ભારતની પ્રથમ ટ્રેન મુંબઈ અને ઠાણે વચ્ચે ચાલી હતી, પરંતુ જ્યારે હાઇડ્રોજન ટ્રેનનો ઉલ્લેખ થશે ત્યારે સૌપ્રથમ જીંદ, સોનીપત અને હરિયાણાનું નામ ગૌરવ સાથે લેવાશે.”
ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જીંદથી સોનીપત વચ્ચે ચાલશે. આ કુલ ૯૦ કિલોમીટરની મુસાફરી હશે. ભારત પહેલાં અત્યાર સુધી સ્વીડન, ફ્રાન્સ, જર્મની અને ચીનમાં જ હાઇડ્રોજન ટ્રેનો ચાલી રહી હતી. હવે ભારત પાંચમો એવો દેશ બન્યો છે, જ્યાં હાઇડ્રોજન ટ્રેન ચાલશે. આ ટ્રેન ૧૦ કોચવાળી છે. જેની સ્પીડ ૭૫ કિલોમીટર પ્રતિ કલાક રહેશે. તેનું ભાડું ૫ રૂપિયાથી ૨૫ રૂપિયા વચ્ચે રાખવામાં આવ્યો છે. આ ટ્રેન ૨ કલાકમાં પોતાની મુસાફરી પૂરી કરી લેશે.