Gujarat

વળતર વિના પાઇપલાઇન નાખવાના આક્ષેપ સાથે ધોળકામાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન: મહિલાઓએ જાતે પાવડા વડે ખાડા પૂર્યા, ઝપાઝપીમાં એક મહિલાની તબિયત લથડી

Spread the love

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ની ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને ભારે વિવાદ અને ઘર્ષણ સર્જાયું છે. યોગ્ય વળતર અને મંજૂરી વિના બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ મેદાનમાં ઉતરતા સમગ્ર મામલો બિચક્યો હતો. આ દરમિયાન ખેડૂતો, પોલીસ અને ગેસ કંપનીના અધિકારીઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી તેમજ પોલીસ અને વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની અટકાયત કરી છે.

મહિલાઓએ જાતે પાવડા લઈને પાઇપલાઇનના ખાડા પૂરી દીધા

મળતી વિગતો અનુસાર, સરગવાળા ગામના ખેતરોમાંથી GSPL ગેસ પાઇપલાઇન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર અને કંપની દ્વારા તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને ખેડૂતોની પરવાનગી લીધા વિના જ પોલીસ પ્રોટેક્શન હેઠળ બળજબરીથી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. આ નીતિના વિરોધમાં ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ ખેતરમાં ધરણા પર બેઠા હતા. રોષે ભરાયેલા ખેડૂતો અને મહિલાઓએ જાતે જ પાવડા ઉઠાવીને પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડા પૂરી દઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઝપાઝપી અને પથ્થરમારા વચ્ચે એક મહિલા ખેડૂતની તબિયત લથડી

વિરોધ પ્રદર્શન દરમિયાન માહોલ વધુ તંગ બનતા ખેડૂતો, GSPLના અધિકારીઓ અને પોલીસ કાફલા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ અને સરકારી વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ધમાલ અને તણાવભરી પરિસ્થિતિ વચ્ચે આંદોલનમાં જોડાયેલી એક ખેડૂત મહિલાની તબિયત અચાનક લથડી હતી, જેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બ્રિજરાજ સોલંકીની અટકાયત કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ સરગવાળા ગામે ખેડૂતોનું આંદોલન હજુ પણ યથાવત છે.

Related posts

Nikkei extends decline as U.S. tariffs hit steel, exporter stocks

Police-Story

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ

Police-Story

નવસારીમાં મેઘરાજાની એન્ટ્રી; માટીની ભીની સુગંધથી લોકો ભારે હરખાયા

Police-Story